જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર. ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.
અલ્પા શાહ
