પી. એન. પણિક્કર


જ. 1 માર્ચ, 1909 અ. 19 જૂન, 1995

કેરળમાં પુસ્તકાલય ચળવળના પિતા પી. એન. પણિક્કરનું મૂળ નામ પુથુવાયિલ નારાયણ પણિક્કર હતું. તેમનો જન્મ ભારતના નીલમપેરૂર ખાતે પિતા ગોવિંદ પિલ્લઈ અને માતા જાનકી અમ્માને ત્યાં નાયર પરિવારમાં થયો હતો. પણિક્કરને વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચવાનો શોખ બાળપણથી જ હતો. વાંચી કે લખી શકતા ન હોય તેવા લોકોને તેઓ વાંચી સંભળાવતા. તેઓ શિક્ષક હતા અને સમાજ પર તેમનો પ્રભાવ હતો. 1926માં તેમણે તેમના વતનમાં સનાદનધર્મમ્ પુસ્તકાલય શરૂ કર્યું. 1945માં માત્ર 47 ગ્રામીણ પુસ્તકાલયોના પ્રારંભિક નેટવર્ક સાથે તેમણે તિરુવિથામકુર ગ્રંથશાળા સંઘમ્(ત્રાવણકોર પુસ્તકાલય સંગઠન)ની રચનાનું નેતૃત્વ કર્યું. સંગઠનનું સૂત્ર ‘વાંચો અને વધો’ (Read and Graw) હતું. પછીથી 1956માં કેરળ રાજ્યની રચના સાથે તે કેરળ ગ્રંથશાળા સંઘમ્ બન્યું. તેમણે કેરળનાં ગામડાંઓમાં પ્રવાસ કરીને વાંચનના મૂલ્યનો પ્રચાર કર્યો. તેમના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન 6000 પુસ્તકાલયોને આ નેટવર્કમાં લાવવામાં તેઓ સફળ થયા. 1975માં ગ્રંથશાળા સંઘમને યુનેસ્કો તરફથી ‘કૃપ્સકાયા’ (Krupsakaya) ઍવૉર્ડ મળ્યો. 1977માં ગ્રંથશાળા સંઘમને રાજ્ય સરકારે પોતાના હસ્તક લેતાં તે કેરળ રાજ્ય પુસ્તકાલય પરિષદ બન્યું. તેઓ રાજકીય હસ્તક્ષેપનો ભોગ બનતાં તેમણે તેની પ્રતિક્રિયા રૂપે કેરળ ઍસોસિયેશન ફોર નૉન ફૉર્મલ એજ્યુકેશન ઍન્ડ ડેવલપમેન્ટ(KANFED)ની સ્થાપના કરી. આ સંસ્થાએ કેરળ રાજ્યમાં સાક્ષરતા મિશન શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, જેના પરિણામે કેરળ સાર્વત્રિક સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બન્યું. પણિક્કરના અવસાન બાદ કેરળ સરકારે તેમના યોગદાન બદલ તેમની સ્મૃતિમાં 19 જૂનને રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. 19 જૂન, 1996થી કેરળમાં વાયનાદિનમ્ (વાંચનદિવસ) તરીકે તેમજ 19 જૂનથી 18 જુલાઈ સુધીના સમયગાળાને રાષ્ટ્રીય વાંચન મહિના તરીકે ઊજવવામાં આવે છે. 21 જૂન, 2004ના રોજ ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડીને તેમને સન્માન આપ્યું છે. 2010માં પી. એન. પણિક્કર ફાઉન્ડેશન દ્વારા તેમની જન્મશતાબ્દી મનાવવામાં આવી હતી. 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂન, કેરળના વાંચનદિવસને ભારતમાં રાષ્ટ્રીય વાંચનદિવસ તરીકે જાહેર કર્યો હતો. 2024માં તેમનું જીવનચરિત્ર ‘ધ લાઇબ્રેરી મૅન ઑફ ઇન્ડિયા : ધ સ્ટોરી ઑફ પી. એન. પણિક્કર‘ નામે પ્રગટ થયું છે.