મોહમ્મદ રફી


જ. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૩૧ જુલાઈ, ૧૯૮૦

જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીનો જન્મ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં એક મુસ્લિમ જાટ પરિવારમાં થયો હતો. છ ભાઈઓના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકીરની નકલ કરતાં કરતાં ગાવાનું શરૂ કર્યું હોવાથી લોકો તેમને ‘ફિકો’ના હુલામણા નામથી બોલાવતા હતા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલીખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. મોહમ્મદ રફીએ ૧૩ વરસની વયે જાહેરમાં ગાવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૪૧માં પાર્શ્વગાયક તરીકે શ્યામસુંદર દિગ્દર્શિત પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચથી શરૂઆત કરી હતી અને પછીનાં વર્ષોમાં ‘ધી બૉમ્બે’ અને ‘ગાંવ કી ગોરી’ જેવી ફિલ્મમાં પણ પાર્શ્વગાયન કર્યું હતું. રફીએ ‘લૈલા-મજનૂ’ અને ‘જુગનુ’ જેવી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. ફિલ્મ ‘લૈલા-મજનૂ’ના ‘તેરા જલવા જિસને દેખા’ નામના ગીતમાં તેમણે સમૂહગાનના ભાગ રૂપે ગાયું પણ હતું. ૧૯૪૫માં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે ‘અજી દિલ હો કાબુ મેં’ ગીત રેકૉર્ડ કર્યું હતું, જે તેમનું હિન્દી ભાષામાં ગાયેલ પ્રથમ ગીત હતું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ ૧૯૪૮માં મોહમ્મદ રફી, રાજેન્દ્ર ક્રિષ્ના અને હુસેનલાલ ભગતરામે સાથે મળીને રાતોરાત ‘સુનો સુનો એ દુનિયાવાલો, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું હતું. રફીસાહેબ પોતાના સમયના ઘણા સંગીતકારો સાથે જોડાયેલા હતા. જેમાં નૌશાદ મુખ્ય હતા. નૌશાદ માટે તેમણે કુલ ૧૪૯ ગીત ગાયાં હતાં. આ સિવાય તેમણે એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, રવિ, મદનમોહન, ઓ. પી. નૈયર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ અનેક ગીતો ગાયાં હતાં. ૧૯૬૭માં મોહમ્મદ રફીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ૧૯૭૪માં ફિલ્મ વર્લ્ડ મૅગેઝિન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ’ ફિલ્મ ‘હવસ’ માટે એનાયત થયો હતો. ૨૦૦૧માં રફીને સદીના સર્વોત્તમ ગાયક તરીકેનું સન્માન ‘હીરો હોન્ડા’ અને ‘સ્ટારડસ્ટ’ સામયિક દ્વારા આપવામાં આવ્યું હતું.

અશ્વિન આણદાણી