સર્બિયા


દક્ષિણ યુરોપનાં પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક.

તે 44° 50´ ઉ. અ. અને 20° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 77,474 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણમાં મેસિડોનિયા, આલ્બેનિયા તથા પશ્ચિમમાં ક્રોએશિયા, બોસ્નિયા તથા મૉન્ટેનિગ્રો આવેલાં છે. તેના કોસોવા તથા વોજવોદિના પ્રાંતોમાં સ્વાયત્ત શાસનપદ્ધતિ છે. તેનું પાટનગર બેલગ્રેડ છે અને વસ્તી 66,47,૦૦0 (2022) જેટલી છે. ‘સર્બિયા’નો અર્થ ‘સર્બજાતિના લોકોની ભૂમિ’ એવો થાય છે. ડેન્યૂબ સર્બિયાની મુખ્ય નદી છે. અન્ય નદીઓમાં મોરાવા, લીમ, તારા, સાવા વગેરેનો સમાવેશ થાય છે. સર્બિયાની પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં તેની આબોહવા હૂંફાળી રહે છે જ્યારે પર્વતીય વિસ્તારોમાં શિયાળા ઠંડા રહે છે. દક્ષિણ ભાગમાં શિયાળા ઠંડા તથા ઉનાળા ગરમ અનુભવાય છે.

સર્બિયાની રાજધાની બેલગ્રેડ

સર્બિયામાં કોલસો, તાંબું, સીસું અને જસતનાં ખનિજો મળે છે. કોલસાના ઉત્પાદનમાં દુનિયામાં સર્બિયાનો ક્રમ અઢારમો જ્યારે યુરોપમાં તેનો સાતમો ક્રમ છે. તે ઉપરાંત મજડાનપેક (Majdanpek) વિસ્તારોમાં સોનું પણ મળી આવ્યું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનનપ્રવૃત્તિનો; મોટરગાડીઓ, વીજપેદાશો, રસાયણો, ખાદ્ય-પ્રક્રમણ, સુતરાઉ કાપડ, ઔષધો વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નેસ્લે, પેપ્સી, કોકાકોલા, હેઈનકેન (Heineken), કાર્લ્સબર્ગ (Carlsberg) જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત સીમેન્સ (Siemens), પૅનાસૉનિક, ગૉરેન્જ (Gorenje) જેવી મોટી કંપનીઓએ પણ અહીં ઔદ્યોગિક એકમો સ્થાપેલા છે. નૅશનલ બૅન્ક ઑવ્ સર્બિયા અહીંની કેન્દ્રીય બૅન્ક છે જ્યારે બેલગ્રેડ સ્ટૉક-એક્સચેન્જ એકમાત્ર સ્ટૉક-એક્સચેન્જ છે. સર્બિયા સમૃદ્ધ ખેતભૂમિ ધરાવે છે. અહીં ધાન્યપાકો, ફળો, શુગરબીટ, સૂરજમુખીનાં બીજ અને તમાકુનું વાવેતર થાય છે. દુનિયામાં પ્લમ(Plum)ના ઉત્પાદનમાં સર્બિયાનો ક્રમ બીજો જ્યારે રાસબરીના ઉત્પાદનમાં ત્રીજો છે. મકાઈ અહીં મોટા પ્રમાણમાં ઊગે છે. તે ઉપરાંત સોયાબીન, બટાકા, સફરજન જેવી ખાદ્ય પેદાશોનું પણ વાવેતર થાય છે. અહીં પશુપાલનપ્રવૃત્તિ પણ ચાલે છે. અહીં દર વર્ષે લગભગ 1,98,183 ટન જેટલું દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં વાહનવ્યવહાર માટેના માર્ગો વિકસાવાયા છે. એ માર્ગો અન્ય શહેરો તથા દેશો સાથે જોડાયેલા છે. રેલ-વ્યવસ્થા પણ સારી છે. બેલગ્રેડ અને નીસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. સર્બિયાના 7૦ %થી વધુ લોકો સર્બ છે. અહીંના અન્ય લોકોમાં આલ્બેનિયન, ક્રોએટ, જિપ્સી હંગેરિયન, સ્લોવાક્સ, રોમેનિયનો, બલ્ગેરિયનો તથા મૉન્ટેનેગ્રિનનો સમાવેશ થાય છે. સર્બિયાના મુસ્લિમોને પણ અહીંના જાતિસમુદાયમાં ગણવામાં આવે છે. મોટા ભાગના સર્બ લોકો ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચમાં માને છે. અનેક લોકો રોમન કૅથલિક તથા ઇસ્લામ ધર્મ પાળે છે.

 (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્બિયા, પૃ. 43)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ