વૈરાગ્ય માગે છે પ્રબળ સાહસ


વન તરફ જતા પુત્ર શુકદેવને પિતા વ્યાસે કહ્યું, ‘અરે પુત્ર ! તારો જન્મ થતાં જ તું વનમાં ચાલી નીકળ્યો ? થોડા દિવસ તો ઘરમાં થોભી જા. હું તારા થોડા સંસ્કાર તો કરું !આ સાંભળી શુકદેવે કહ્યું, ‘મારા પર જન્મજન્માંતરના અસંખ્ય સંસ્કાર થઈ ગયા છે. એને કારણે તો મારે ભવાટવીમાં વારંવાર ભટકવું પડ્યું છે. હવે આવી કોઈ બાબત સાથે હું નિસ્બત રાખવા માગતો નથી.

આ સાંભળી ગંભીર અવાજે વેદવ્યાસે કહ્યું, ‘તારે ચાર વર્ણાશ્રમનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ, તો જ તને મોક્ષ પ્રાપ્ત થઈ શકે.બાળક શુકદેવે કહ્યું, ‘જો માત્ર બ્રહ્મચર્યથી જ મોક્ષ થતો હોય, તો તે નપુંસકોને સદાય પ્રાપ્ત થવો જોઈએ. જો ગૃહસ્થાશ્રમથી મોક્ષ થતો હોય તો તો આખી દુનિયા મુક્ત થઈ ગઈ હોત. જો વાનપ્રસ્થોને મોક્ષ મળતો હોય તો બધાં પશુ-પક્ષી મોક્ષ પામ્યાં હોત. જો સંન્યાસથી મોક્ષ સાંપડતો હોય તો બધા દરિદ્રોને એ તત્કાલ મળી ગયો હોત.’

મહર્ષિ વ્યાસે કહ્યું, ‘સદગૃહસ્થોને માટે લોક અને પરલોક બંને સુખદ હોય છે. ગૃહસ્થનો સંગ્રહ હંમેશાં સુખદાયક હોય છે.’શુકદેવે કહ્યું, ‘સૂર્યમાંથી બરફ વરસે, ચંદ્રમાંથી તાપ નીકળવા માંડે, તો જ પરિગ્રહથી વ્યક્તિ સુખી થાય તેવું બને. પરિગ્રહની લાલસા રાખીને સુખી થવું તે ત્રણે કાળમાં સંભવ નથી.’મહર્ષિ વ્યાસે કહ્યું, ‘બાળક ધૂળમાં રગદોળાતો હોય, ઝડપથી ચાલવાની કોશિશ કરતો હોય અને કાલુંઘેલું બોલતો હોય તો એ સહુને અપાર આનંદ આપે છે.’

શુકદેવે કહ્યું, ‘ધૂળમાં રમવાથી મેલાઘેલા બનેલા બાળક પાસેથી સુખ અને સંતોષની પ્રાપ્તિની કલ્પના કરવી તે સર્વથા અજ્ઞાનમૂલક છે. એમાં સુખ માનનારા માનવી જેવો બીજો કોઈ અજ્ઞાની હોતો નથી.’મહર્ષિ વ્યાસે કહ્યું, ‘તને એ તો ખ્યાલ હશે જ કે પુત્રહીન માનવી નરકમાં જાય છે.’શુકદેવે હળવેથી જવાબ વાળ્યો, ‘જો પુત્રથી જ સ્વર્ગ મળતું હોય તો સુવ્વર અને કૂતરાઓને વિશેષ મળવું જોઈએ.’

વ્યાસદેવે કહ્યું, ‘પુત્રનાં દર્શનથી માનવી પિતૃઋણથી મુક્ત થાય છે. પૌત્રનાં દર્શનથી દેવ-ઋણથી મુક્ત થાય છે અને પ્રપૌત્રનાં દર્શનથી એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.’શુકદેવે કહ્યું, ‘લાંબી ઉંમર તો ગીધની હોય છે. તેઓ એમની ઘણી પેઢીઓ જોતા હોય છે. એમની આગળ આ પુત્ર કે પ્રપૌત્રની વાત બાલિશ લાગે. પણ ખબર નથી કે એમાંથી અત્યાર સુધી કેટલાએ મોક્ષ મેળવ્યો હશે.’આમ પિતા વ્યાસની પ્રત્યેક દલીલનો શુકદેવે પ્રત્યુત્તર આપ્યો.

શુકદેવના હૃદયમાં તીવ્ર વૈરાગ્યભાવ હતો તેથી પિતા વ્યાસની કોઈ દલીલ શુકદેવજીને અટકાવી શકી નહીં અને બાળ શુકદેવ વન તરફ ચાલી નીકળ્યા.વૈરાગ્ય એક સાહસ છે અને એ સાહસને માટે માનવહૃદયમાં દૃઢ સંકલ્પ જોઈએ. વૈરાગ્ય ત્યાગ માગે છે અને વ્યક્તિ જેમ અપેક્ષાઓ ઓગાળતો જાય છે, તેમ એના ભીતરનો વૈરાગ્ય પ્રગટતો જાય છે.

: કુમારપાળ દેસાઈ