જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૦૫ અ. ૧૧ માર્ચ, ૧૯૭૭ ગુજરાતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવક અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈનો જન્મ ગંગાજળા(જામનગર)માં નાગર જ્ઞાતિમાં થયો હતો. માતાપિતા તરફથી તેમને સેવાભાવ અને કર્મઠતાનો વારસો મળ્યો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું.
૧૯૨૮માં વકીલાત શરૂ કરી. અત્યંત ટૂંક સમયમાં બાહોશ વકીલ તરીકે પ્રસિદ્ધિ મેળવી, પરંતુ તે સમયે ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૩૬માં ધીકતી વકીલાત છોડીને દેશસેવાના કાર્યમાં જોડાઈ ગયા. તેમણે રાજકોટ પાસેના થુરાલા ગામે ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી. ૧૯૩૬માં રેલસંકટમાં સપડાયેલા લોકોની સેવા કરી. રાજકોટ મિલમજૂર સંઘની સ્થાપના કરી. મજૂરોના વેતન તથા હકો માટે રાજકોટ રાજ્ય સામે લડત ચલાવી. તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી બન્યા. તેમણે અનેક વિરોધો વચ્ચે રાજકોટમાં અધિવેશન યોજ્યું જેમાં સરદાર પટેલ અને ગોપાલદાસે પણ હાજરી આપી હતી. ઢેબરભાઈએ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહમાં મહત્ત્વનો ફાળો આપ્યો. આ અંગે અનેક વાર જેલવાસ ભોગવ્યો. આ લડતને અંતે તેઓ રાષ્ટ્રીય નેતા તરીકેની ખ્યાતિ પામ્યા. ૧૯૪૦માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લઈ ફરી જેલવાસ ભોગવ્યો.
૧૯૪૭માં સ્વતંત્રતા બાદ કાઠિયાવાડનાં દેશી રાજ્યોનું એકીકરણ થયું અને તે ‘સૌરાષ્ટ્ર’ કહેવાયું. આ માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેમને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું શ્રેય પ્રાપ્ત થયું. ઢેબરભાઈએ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અનેક સુધારાઓ કર્યા. ગ્રામપંચાયતોનું ગઠબંધન થયું, શિક્ષણની સુવિધાઓ વધી, ગામડાંઓમાં પીવાનું પાણી ઉપલબ્ધ થયું, ખાદી અને ગ્રામોદ્યોગને ઉત્તેજન મળ્યું, કુટિર ઉદ્યોગનો વિકાસ થયો, અસ્પૃશ્યતાનિવારણ તથા સ્ત્રીવિકાસગૃહ સંસ્થાનો વિકાસ થયો. ૧૯૫૧માં જાગીરદાર પ્રથા નાબૂદ કરી ખેડૂતોને વેઠિયા તરીકેની કામગીરીમાંથી મુક્તિ અપાવી જમીનમાલિક બનાવ્યા. ૧૯૫૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૨માં લોકસભાના સદસ્ય બન્યા અને ૧૯૬૩માં ખાદી ગ્રામોદ્યોગ કમિશનનું અધ્યક્ષપદ સંભાળ્યું. તેમણે ગાંધીવિચારસરણી, સમાજસેવા, શિક્ષણ વગેરે પર હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં લેખો લખ્યા છે. ૧૯૭૩માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.
શુભ્રા દેસાઈ