સંપૂર્ણતાની ઇચ્છા સાથે …


અપૂર્ણતાને આવકારીએ

સામાન્ય રીતે આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે આપણી આસપાસનું જીવન ગોઠવાય તેવો આગ્રહ રાખીએ છીએ. આ આગ્રહ મોટા ભાગે હઠાગ્રહમાં પરિણમે છે. પત્નીએ આમ જ બોલવું જોઈએ, પુત્રે આમ જ વર્તવું જોઈએ અને કુટુંબીજનોએ આમ જ કરવું જોઈએ એમ માનીએ છીએ. એ જ રીતે આપણા વ્યવસાયમાં પણ આપણે સતત દૃઢાગ્રહ સેવીએ છીએ કે આ કામ તો આ જ રીતે થવું જોઈએ અથવા તો આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ.

માનવી આસપાસની પરિસ્થિતિને પણ પોતાની ઇચ્છાનુકૂળ કરવા માગે છે. એ નસીબને પણ કહે છે કે તારે મને આટલું આપવું જોઈએ. આમ બધી બાબતમાં એ અન્યને અનુકૂળતા સાધવાનું કહે છે. પોતાનાં બધાં જ વલણો અને અભિપ્રાયોને મનસ્વી રીતે ગોઠવે છે અને આસપાસની દુનિયા એ પ્રમાણે જ વર્તે તેવી કઠપૂતળીનો ખેલ કરનાર સૂત્રધાર જેવી ભાવના રાખે છે, પરંતુ આ સમગ્ર સ્થિતિને જુદી દૃષ્ટિએ જોવાની જરૂર છે. સંપૂર્ણતાના આગ્રહની સાથે અપૂર્ણતાને સ્વીકારતાં શીખવું જોઈએ. પોતાની લાકડીથી જગતને હાંકવા જનારની અંતે લાઠી પણ છીનવાઈ જાય છે.

એકાદ દિવસ વ્યક્તિ પોતે જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ થવા કોશિશ કરે તો એને એક જુદો જ અનુભવ થશે. મારી ધારણા પ્રમાણે નહીં, પરંતુ આસપાસની વાસ્તવિકતા અને હકીકતનો સ્વીકાર કરીને એ જો જીવવાનો વિચાર કરે તો એને જુદી જ અનુભૂતિ થશે. જે છે તેની સાથે અનુકૂળતા સાધવાથી એક પ્રકારનો સ્વીકારભાવ કેળવાશે અને એથી સતત અસ્વીકારભાવને કારણે થતી પીડામાંથી મુક્તિ મળશે. ક્યારેક એવી પણ અજમાયશ કરીએ કે કુટુંબ કે વ્યવસાયની જે પરિસ્થિતિ છે, તે સ્વીકારીને એમાંથી શાંત આનંદ પામીએ. અસ્વીકારની સતત ચાલતી આંતરવેદનામાંથી મુક્ત થઈએ.

કુમારપાળ દેસાઈ