Author: admin
પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો
બનાવશો નહીં ——-
કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે.
આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે.
પિતાના આ ‘બોજને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે.
કુમારપાળ દેસાઈ
રાવજી પટેલ
જ. ૧૫ નવેમ્બર, ૧૯૩૯ અ. ૧૦ ઑગસ્ટ, ૧૯૬૮
આધુનિક કવિ, વાર્તાકાર, નવલકથાકાર રાવજી પટેલનો જન્મ ભાટપુરામાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ. વતન ખેડા જિલ્લાનું વલ્લવપુરા ગામ. પ્રારંભિક શિક્ષણ વતનમાં ને ડાકોરની સંસ્થાન સ્કૂલમાં. એસ.એસ.સી. અમદાવાદમાં. કૉલેજના બીજા વર્ષથી આર્થિક સંકડામણો અને બીમારીને લીધે અભ્યાસ છોડી દેવો પડેલો. મિલ, પુસ્તકાલય, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ વગેરેની કચેરીઓમાં નોકરી કરેલી ને મૂકી પણ દીધેલી. સ્વમાની સ્વભાવ. ક્ષયની બીમારીને લીધે ઝીંથરી(અમીરગઢ)ના તથા આણંદના ટી.બી. સૅનેટોરિયમમાં પણ રહેલા. તેમણે કેટલુંક સર્જન ત્યાં જ કરેલું.
‘અંગત’ (૧૯૭૦) એમનો મરણોત્તર અને એકમાત્ર કાવ્યગ્રંથ છે. એમની કવિતામાં રંગદર્શિતા અને આધુનિક વલણોનો સહજ સ્વીકાર જોવા મળે છે. જીવનની કપરી પરિસ્થિતિ, મૃત્યુની અનુભૂતિ અને જિજીવિષા, શહેરનો વસવાટ ને તેમાંની કૃતકતા સામે ચીડ, ગ્રામજીવનનું, સીમ-ખેતરનું આકર્ષણ, પ્રેમ માટેનો ઝુરાપો તેમની કવિતાના વિષયો રહ્યા છે. કૃષિજીવન આધારિત કલ્પન-પ્રતીકોને કારણે એમની કવિતામાં તાજગી જોવા મળે છે. ઇન્દ્રિયરાગ તથા ઇન્દ્રિયવ્યત્યય બંનેની લીલા તેમની કવિતાનું જમા પાસું છે. છંદપ્રભુત્વ પણ પ્રશંસનીય છે. પોતાની સંવેદનાને અનુરૂપ લયવિધાન અને ભાષાવિધાન રચવામાં તેઓ અનન્ય ગણાયા છે. તેમની કવિતામાં ગ્રામજીવન બહુ સફળતાથી અને કવિત્વમય રીતે પ્રગટ થયું છે. ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘મેંશ જોઈ મેં રાતી’, ‘તમે રે ઊંચેરા ઘરના ટોડલા’ – જેવી તેમની રચનાઓ ગુજરાતી ગીતકવિતામાં ચિરંજીવ રહેલી છે. તેમની ‘ઠાગાઠૈયા’, ‘એક બપોરે’, ‘ઢોલિયે’, ‘સ્વ. હુંશીલાલની યાદ’માં વગેરે રચનાઓ પણ ખૂબ પ્રશંસા પામી છે. ‘અશ્રુઘર’ લઘુનવલકથામાં ક્ષયગ્રસ્ત નાયક સત્યના અભાવોની, રોગની અને જીવનસંવેદનાની કથા નિરૂપાઈ છે. લલિતા અને સૂર્યા જેવી બે નારીઓની વચ્ચે સંઘર્ષ દર્શાવીને તેમાં તીવ્રતા અને ઊંડાણ લવાયાં છે. ‘ઝંઝા’ – ડાયરી શૈલીમાં લખાયેલી નવલકથા છે. બંને નવલકથાઓમાં ભાષા પરત્વે કવિ રાવજીનો પ્રભાવ વધુ જોવા મળે છે. ‘વૃત્તિ અને વાર્તા’ પણ તેમનું મરણોત્તર પ્રકાશન છે. ગ્રામપરિવેશ અને નગરપરિસર બેઉને પીઠિકા રૂપે આલેખતી ભાષાભિવ્યક્તિ આસ્વાદ્ય છે. તેમની ‘સગી’, ‘છબીલકાકાનો બીજો પગ’ તથા ‘ઘેટાં’ જેવી વાર્તાઓ ધ્યાનપાત્ર છે.
ક્ષયમાં ફેફસાં સપડાતાં અમદાવાદમાં યુવાનવયે તેમનું અવસાન થયેલું.
શ્રદ્ધા ત્રિવેદી