અક્ષયકુમાર રમણલાલ દેસાઈ


જ. ૧૬ એપ્રિલ, ૧૯૧૫ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૯૪

ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર પ્રખર માર્કસવાદી અને કર્મશીલ સમાજશાસ્ત્રી અક્ષયકુમારે બાળપણમાં જ માતાને ગુમાવી હતી. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, પણ ત્યાં હડતાળ પડવાના કારણે મુંબઈમાં ભણ્યા અને કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં વધારે રુચિ હોવાથી પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. તેમણે લખેલ શોધનિબંધ ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ’ ૧૯૪૮માં અંગ્રેજીમાં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેની અનેક આવૃત્તિઓ થઈ અને ભારતની મોટા ભાગની ભાષાઓમાં તેનો અનુવાદ થયો. અક્ષયકુમારની વરણી ૧૯૪૬માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે થઈ. ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ અને ‘ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ’ના પ્રમુખ હતા. ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, ખેડૂત-આંદોલનો વગેરેના અભ્યાસનો તેમાં સમાવેશ થાય છે. તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યાં. સમાજશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષામાં  સંદર્ભસાહિત્ય મળી રહે તે હેતુથી ‘સમાજ વિજ્ઞાનમાળા’ શ્રેણીમાં દેસાઈ દંપતીએ વીસ પુસ્તકોનું પ્રકાશન કર્યું. તેઓ ‘પડકાર’ નામના દ્વૈમાસિકનું સંપાદન પણ કરતા હતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ ઍવૉર્ડ ફોર સોશિયલ સાયન્સીસ (૧૯૮૭) અને યુ.જી.સી. દ્વારા બેસ્ટ સોશિયોલૉજિસ્ટ ઑફ ધ યર (૧૯૮૭)નો ઍવૉર્ડ મળ્યા હતા.