જમાનો ‘ઇન્સ્ટન્ટ’નો આવ્યો છે ! નિરાંતે જમવાનું છોડીને વ્યક્તિ ફાસ્ટ ફૂડ પાછળ દોડે છે. આજે વેપાર શરૂ કરે છે અને આવતીકાલે અબજોપતિ થવાનું ખ્વાબ સેવે છે. આજે કર્મ કરે છે અને આવતીકાલે ફળ-પ્રાપ્તિની રાહ જુએ છે. માણસના જીવનમાંથી નવરાશ નામશેષ થઈ ગઈ છે અને નિરાંતને દેશવટો મળ્યો છે. આને કારણે વ્યક્તિ પરિણામ પર નજર માંડીને બેઠી છે. પ્રેરણા, પ્રક્રિયા કે પુરુષાર્થની બહુ પંચાત કરવામાં માનતો નથી. આજે ગોટલી વાવે છે અને આવતીકાલે આંબાની આશા રાખે છે. એની પાસે ધીરજ ધારણા કરવાની શક્તિ નથી. અધીરાઈ એ એનો મુદ્રાલેખ છે. સવારે એ પોતાના ઉદ્યાનમાં નાનકડો છોડ વાવે છે અને સાંજે એના પર ખીલેલાં પુષ્પો જોવા નજર ઠેરવે છે. એની પાસે એ ધૈર્ય નથી કે છોડ ધરતી સાથે બરાબર ચોંટે, ખાતર-પાણી પામે, બરાબર ઊગે અને પછી એના પર મિષ્ટ ફળો આવે. એના વિચારની આ અધીરાઈ વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે અને વ્યવહારની અધીરાઈ તોછડાઈ કે ઉપેક્ષામાં પરિણમે છે. શૉર્ટકટ એ એના જીવનનો માર્ગ બની જાય છે અને તેથી એના જીવનમાં તત્કાળનો મહિમા થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં જાય અને તત્કાળ વાનગી મળે, વ્યવસાય માટે જાય અને તત્કાળ પ્રમોશન મળે, ‘તત્કાળ’ને કારણે એ એની વિચારશક્તિ ગુમાવી બેઠો છે અને કામને ઉતાવળે કરવા જતાં અવળું પરિણામ આવે છે. પોતાના અંગત જીવનમાં પ્રશ્નો કે સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે એની પાસે સહેજે રાહ જોવાની વૃત્તિ કે ખામોશી નથી, કારણ કે પ્રતીક્ષાને એ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લેખે છે અને એને કારણે આયુષ્યની લાંબી દોડ દોડનારને જીવનસાર્થક્ય કે જીવનસાફલ્ય મળે, તેવું કશું પ્રાપ્ત થતું નથી.
કુમારપાળ દેસાઈ