જ. ૨૯ નવેમ્બર, ૧૯૧૩ અ. ૧ ઑગસ્ટ, ૨૦૦૦
ઉર્દૂ ભાષાના જાણીતા લેખક, વિવેચક અલી સૈયદ જાફરીનો જન્મ ઉત્તરપ્રદેશના બલરામપુર શહેરમાં થયો હતો. કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે ઓળખાતા થયા. ૧૯૩૩માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થયા. દરમિયાન માર્ક્સની વિચારસરણી તરફ આકર્ષાયા. ૧૯૩૬માં અંગ્રેજી શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી છોડવી પડી. ત્યારબાદ ૧૯૩૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અનુસ્નાતક અભ્યાસ લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરો કર્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે યુદ્ધવિરોધી કવિતા કર્યા બદલ અટકાયત થવાથી પરીક્ષા આપી શક્યા નહિ અને નજરકેદ થયા. લેખક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ૧૯૩૮માં ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘મંઝીલ’થી થયો. ૧૯૪૪માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરવાઝ’ પ્રગટ થયો. ૧૯૩૬માં પ્રગતિશીલ લેખક સંઘ સ્થપાયો. ૧૯૩૮માં તેની કૉલકાતા પરિષદ વખતે સરદાર જાફરી તેમાં જોડાયા. ૧૯૩૯માં તેઓ સંઘની પત્રિકા ‘નયા અદબ’ના સહસંપાદક બન્યા.
લાલ કિલ્લા, સાબરમતી હરિજન આશ્રમ, તીનમૂર્તિભવન આદિના ધ્વનિપ્રકાશ કાર્યક્રમોનું આલેખન કર્યું. ‘સંત કબીર’, ‘મહંમદ ઇકબાલ’ અને ‘હિન્દુસ્તાન હમારા’ એ દસ્તાવેજી ચિત્રો તથા ‘કહકશાં’ નામે ટીવી શ્રેણી તૈયાર કર્યાં. સૈયદ જાફરી તેમનાં લખાણો તથા તેમાં વ્યક્ત થતા ક્રાંતિપ્રેરક વિચારો માટે અમુક વર્ગમાં ભારે ચાહના પામ્યા હતા. તેમણે ‘ગુફતગુ નામના સામયિકનું પણ સંપાદન કર્યું હતું. તેમણે લખેલો છેલ્લો સાહિત્ય સંગ્રહ ‘સરહદ’, તે વખતના ભારતના પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ ૧૯૯૯માં લાહોર બસયાત્રામાં તેમની સાથે લઈ ગયા હતા અને પાકિસ્તાનના તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફને ભેટ આપ્યો હતો. તેમનાં જાણીતાં કાવ્યસંગ્રહોમાં ‘પરવાઝ’, ‘કિસકા ખૂન હૈ’, ‘નઈ દુનિયા કો સલામ’, ‘ખૂન કી લકીર’, ‘પથ્થર કી દીવાર’ વગેરેનો સમાવેશ થાય છે. ‘મંઝીલ’, ‘લખનઉ કી પાંચ રાતે’, ‘ઇકબાલ શનાસી’ તેમનાં ગદ્યનાં પુસ્તકો છે. ‘દીવાને ગાલિબ’, ‘દીવાને મીર’, ‘કબીરબાની’, ‘પ્રેમબાની’ તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમનાં કાવ્યોનું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર થયેલ છે.
તેમને અર્પણ થયેલા નોંધપાત્ર પુરસ્કારોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૯૭), પદ્મશ્રી (૧૯૬૭), જવાહરલાલ નહેરુ ફેલોશિપ (૧૯૭૧), ડી. લિટ્. માનાર્હ ઉપાધિ – અલીગઢ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
અમલા પરીખ