ગગનવિહારી મહેતા


જ. ૧૫ એપ્રિલ, ૧૯૦૦ અ. ૨૮ એપ્રિલ, ૧૯૭૪

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ એલચી, કુશળ વહીવટકર્તા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ. તેમના જન્મના વર્ષે જ પરિવાર ભાવનગરથી મુંબઈ રહેવા ગયો. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ લીધું. બી.એ. ઑનર્સની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે મેળવી. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ મેળવ્યો અને કૉલેજનાં ચારેય વર્ષ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયોમાં પ્રથમ આવવા બદલ અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં. ૧૯૨૩માં તેમણે ‘બૉમ્બે ક્રોનિકલ’ અખબારના ઉપતંત્રી તરીકે કામ સંભાળ્યું અને તે પછી ૧૯૪૨માં તેમની વરણી ‘ફિક્કી’ના પ્રેસિડેન્ડ તરીકે થઈ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ તેમને ટેરિફ બોર્ડના ચૅરમૅન બનાવાયા અને પછી પ્રથમ આયોજન નિગમના સદસ્ય નિમાયા. ૧૯૫૨માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે તેમણે છ વર્ષ સુધી પ્રશંસનીય સેવાઓ આપી. તેમણે ન્યૂયૉર્ક, જિનીવા, મોન્ટ્રિયલ વગેરે શહેરોમાં મળેલ આંતરરાષ્ટ્રીય વેપારી મહામંડળ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન નૅશનલ શિપિંગ બોર્ડના ચૅરમૅન તરીકે સેવા આપી. ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચૅરમૅનપદ શોભાવ્યું. નવી સ્થપાયેલી સંસ્થા આઈ.સી.આઈ.સી.આઈ.ના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. તેનું સફળ સંચાલન કરી તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’નો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજીમાં ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ, ફ્રોમ રોંગ ઍંગલ્સ, પરવર્સિટીઝ, અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ વગેરે નોંધપાત્ર ગણાય છે.

૧૯૫૯માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનવામાં આવ્યા.