જ. ૧૩ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૫ નવેમ્બર, ૧૯૭૫

‘સરદાર’ તરીકે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપ્રસિદ્ધ થયેલા ચંદુલાલ શાહનો જન્મ જામનગરમાં થયો હતો. સિડનહેમ કૉલેજમાં અભ્યાસ બાદ તેમણે મુંબઈ સ્ટૉક એક્સચેન્જમાં નોકરી કરી હતી. તેમનો મુખ્ય વ્યવસાય શૅરબજારનો હતો. છતાં ફિલ્મઉદ્યોગમાં તેમણે એવી રીતે પ્રવેશ કર્યો કે થોડા જ સમયમાં તેઓ જાણીતા, સુપ્રસિદ્ધ દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીનરાઇટર બની ગયા. લક્ષ્મી ફિલ્મ્સના દિગ્દર્શક મણિલાલ જોશી ‘વિમલા’ ફિલ્મ બનાવતાં અચાનક બીમાર પડી ગયા અને કોઈ અનુભવ વિના તેમના મિત્ર ચંદુલાલને ભાગે ‘વિમલા’નું દિગ્દર્શન કરવાની જવાબદારી આવી પડી. નસીબજોગે ફિલ્મને ખૂબ સફળતા મળી. ચંદુલાલે બીજી બે ફિલ્મોનું દિગ્દર્શન પણ સફળતાપૂર્વક કર્યું. લક્ષ્મી ફિલ્મ્સ છોડીને કોહિનૂર ફિલ્મ્સમાંથી તેમણે ‘ટાઇપિસ્ટ ગર્લ’નું દિગ્દર્શન કર્યું. આમ શૅરબજારમાં શૅરોની ઊથલપાથલ કરતા ચંદુલાલ શાહ ફિલ્મી દુનિયામાં અચાનક આવી ગયા. અલબત્ત શૅરબજાર સાથેનો નાતો તો છેવટ સુધી ચાલુ રહ્યો. ઈ. સ. ૧૯૩૧માં બોલતી ફિલ્મ આવતાં સુધી ચંદુલાલે ત્રીસેક જેટલી મૂંગી ફિલ્મો બનાવી. મૂંગી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી ગોહરબાનુ સાથે ભાગીદારીમાં તેમણે પહેલાં ‘રણજિત ફિલ્મ કંપની’ અને ત્યારબાદ ‘રણજિત મૂવીટોન’ નામે ફિલ્મ કંપની શરૂ કરી. આ ભાગીદારી ખૂબ વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલી. તે સમયે રણજિત મૂવીટોન કંપનીના સ્ટુડિયોમાં ચાર સાઉન્ડ સ્ટેજ, પોતાની લૅબોરેટરી અને પે રોલ ઉપર ૬૦૦ જેટલા કલાકારો અને ટૅકનિશિયનોનો સ્ટાફ હતો. સ્ટુડિયોમાં ખૂબ જ પદ્ધતિસરનું કામકાજ થતું હતું. રણજિત મૂવીટોને તેના સમકાલીનોની સરખામણીએ સ્થિરતાપૂર્વક ખૂબ જ લાંબા સમય સુધી પ્રજાને સારી ફિલ્મો આપી. ચંદુલાલે પોતાના સ્ટુડિયો અને ફિલ્મનિર્માણ પૂરતી પોતાની જવાબદારી સીમિત ન રાખતાં સમગ્ર સિને ઉદ્યોગના પ્રશ્નો પરત્વે પણ ચિંતા સેવી, જેથી તેઓ સિનેજગતમાં ‘સરદાર’ ચંદુલાલ નામે ઓળખાવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) દરમિયાન રણજિત મૂવીટોન ઉપર માઠી દશા બેઠી. ચંદુલાલે શૅરબજાર અને જુગારમાં અઢળક રૂપિયા ગુમાવ્યા. અચાનક આગ ફાટી નીકળવાથી સ્ટુડિયો બળીને ખાખ થઈ ગયો. ૧૯૬૩માં આ કંપની સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવી.
રાજશ્રી મહાદેવિયા