ચીમનલાલ ચકુભાઈ


જ. ૧૧ માર્ચ, ૧૯૦૨ અ. ૨૦ નવેમ્બર, ૧૯૮૨

ભારતના બંધારણમાં મહત્ત્વનો ફાળો આપનાર તથા ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ચીમનલાલનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામમાં થયો હતો. પિતાનું નામ ચકુભાઈ. બે વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. અપરમા રંભાબહેને તેમનો ઉછેર કર્યો. પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી બાકીનો અભ્યાસ તેમણે મુંબઈ પૂરો કરેલો. ત્યારબાદ પિતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાં જોડાવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. અભ્યાસમાં તેમની તેજસ્વિતાને કારણે તેમને શિષ્યવૃત્તિઓ મળી. એમ.એ. અને એલએલ.બી.માં તેમના ઉત્તમ પરિણામને કારણે કે. ટી. તેલંગ સુવર્ણચંદ્રક તથા ઇન્વેરારિટી સુવર્ણચંદ્રક એનાયત થયા. તેઓ બે વર્ષ ‘દક્ષિણા ફેલો’ તરીકે નિમાયા. ૧૯૨૮માં તેઓ સૉલિસિટર બન્યા.  આઝાદી પહેલાં મુંબઈ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. ૧૯૪૬માં તેઓ મુંબઈ કૉર્પોરેશનમાં ચૂંટાયેલા અને સતત છ વર્ષ સુધી ચૂંટાઈને તેમણે મુંબઈની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૪૮માં બંધારણસભાના સભ્ય બનતાં કાયદા અને બંધારણના નિષ્ણાત તરીકે પોતાની કાબેલિયત દર્શાવી. તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા. ૧૯૩૯થી ૧૯૫૧ સુધી સતત બાર વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ વિકાસ પામી. ‘પ્રબુદ્ધજીવન’નું તંત્રીપદ સ્વીકાર્યા બાદ તેમાં સતત ચિંતનાત્મક લેખન કર્યું.

ચીમનભાઈ જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા તથા સમાજસેવક તરીકે ખ્યાતિ ધરાવે છે.

શુભ્રા દેસાઈ