જામિની રૉય


જ. ૧૧ એપ્રિલ, ૧૮૮૭ અ. ૨૪ એપ્રિલ, ૧૯૭૨

બંગાળ શૈલીમાં ચિત્રસર્જન કરનાર એક અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર. તદ્દન સપાટ (flat) ભાસતાં તેમનાં ચિત્રો પર બંગાળ અને ઓડિશામાં તદ્દન નજીવી કિંમતે વેચાતાં ‘બાઝાર’ (Bazaar) અને કાલીઘાટ ચિત્રો અને આધુનિક યુરોપિયન ચિત્રશૈલીઓમાંથી ‘ફોવીઝમ’ ચિત્રશૈલીનો પ્રભાવ છે.

બાંકુરા જિલ્લાના સમૃદ્ધ કાયસ્થ બ્રાહ્મણ જમીનદાર પરિવારમાં તેમનો ઉછેર થયો. સોળ વર્ષની ઉંમરે કૉલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં વાઇસ પ્રિન્સિપાલ તથા બંગાળ ચિત્રશૈલીના સ્થાપક કલાકાર અવનીન્દ્રનાથ ટાગોર હેઠળ જીવતાં મૉડલોને તેલના માધ્યમમાં સંપૂર્ણ નગ્ન ચીતરવાનો કસબ શીખ્યા. ૧૯૦૮માં આ કૉલેજનો ડિપ્લોમા મેળવ્યો. પ્રિન્સિપાલ ઈ. બી. હાવેલની સૂચનાથી બંગાળની બઝાર અને કાલીઘાટ શૈલી ઉપરાંત સાંથાલ આદિવાસીઓની આદિમ (Primitive) કલાનાં લક્ષણોને આત્મસાત્ કર્યાં, પરિણામે રૉયની કલા તદ્દન સપાટ આભાસ ઊભો કરતી થઈ. તેઓ રોજનાં દસ ચિત્રો સર્જતા રહેતા અને તેમનાં ચિત્રોની કુલ સંખ્યા વીસ હજારને પાર કરી ગઈ. દેશવિદેશમાં અનેક સ્થળે તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં. તેમણે સમગ્ર જીવન કૉલકાતામાં પસાર કર્યું. પોતે કાલીઘાટ શૈલીમાં કામ કરતા હોવાથી તે પોતાને ‘પટુવા’ એટલે કે પટ ચીતરનાર ચિત્રકાર કહેવડાવતા. તેમનાં ચિત્રો દિલ્હી ખાતેની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લંડન ખાતે વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા કૉલકાતા ખાતેના ઇન્ડિયન મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. ૧૯૫૬માં તેઓ કેન્દ્રીય લલિતકલા અકાદમીના ફેલો તરીકે નિમાયા હતા.

૧૯૩૪માં ત્યારના વાઇસરૉયે તેમને સુવર્ણચંદ્રકથી નવાજ્યા હતા. ૧૯૫૪માં ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ આપ્યો હતો.