જૌનપુર


ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : ૪૦૩૮ ચોકિમી. જિલ્લાનું વડું મથક. ૨૫° ૪૪´ ઉ. અક્ષાંશ અને ૮૨° ૪૧´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ અને પશ્ચિમે પિથોરગઢ જિલ્લા આવેલા છે. સમગ્ર જિલ્લો સપાટ છે. ગંગાના મેદાનનો તે ભાગ છે. પૂરને લીધે અવારનવાર જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રથી દૂર આવેલો હોઈને અહીં આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો આકરા હોય છે. મે માસમાં ૪૧°થી ૪૫° સે. તાપમાન રહે છે. શિયાળામાં સૌથી ઓછું તાપમાન ૧૦° સે.થી ૧૭° સે. રહે છે. ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. આશરે ૧૦૦૦થી ૧૨૫૦ મિમી. વરસાદ પડે છે. ગંગાની નહેરોથી સિંચાઈ થાય છે. વસ્તી  ૪૪,૯૪,૨૦૪ (૨૦૨૪ આશરે). રેલ અને સડકમાર્ગે રાજ્યનાં ગાઝીપુર, અલ્લાહાબાદ, લખનૌ, ફૈઝાબાદ, ગોરખપુર વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. તે ખાસ કરીને કૃષિ બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. તેની આસપાસના ભાગોમાં ફૂલોના બગીચા આવેલા છે. અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો તથા ફળફળાદિ અને શાકભાજીના વ્યાપારનું તે મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે. કેટલીક મસ્જિદો ઉપરાંત સોળમી સદીમાં બંધાયેલો ગોમતી નદી પરનો પુલ જોવાલાયક છે. જૌનપુર જિલ્લો ગંગાનાં ફળદ્રૂપ મેદાનોમાં આવેલો છે સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના વિસ્તારો ખેતી હેઠળ છે. ડાંગર, મકાઈ, જવ અને શેરડી જેવા પાકો મુખ્ય છે. જિલ્લાના શાહગંજ ખાતે ખાંડની મિલ છે.

ગોમતી નદી પરનો પુલ

ઇતિહાસ : શહેરની સ્થાપના અગિયારમી સદીમાં થઈ. પણ તે પછી ગોમતી નદીના ભારે પૂરથી તેનો વિનાશ થયો. ૧૩૬૦માં ફિરોઝશાહ તુઘલુકે તેને ફરીથી વસાવ્યું. તે સમયમાં બંધાયેલો કિલ્લો ત્યાં હજુ છે. જૌનપુર રાજ્યનો સ્થાપક મલિક સરવર મૂળ ફિરોઝશાહ તુઘલુકના પુત્ર મુહમ્મદનો હબસી ગુલામ હતો. તેને ૧૩૮૯માં વજીરપદ પ્રાપ્ત થયું અને તેને ‘ખ્વાજા જહાન’(પૂર્વનો રાજા)નો ઇલકાબ આપવામાં આવ્યો. છેલ્લા તુઘલુક સુલતાન મુહમ્મદે તેને ‘મલિક ઉસ શર્ક’નો ઇલકાબ આપ્યો અને પૂર્વ ભારતનો સૂબો નીમ્યો. ૧૩૯૪માં તેણે ઇટાવા, કોઇલ અને કનોજનો બળવો દબાવી દીધો અને અવધ, કનોજ, બહરીચ, સંદીલ, દલમાઉ અને બિહાર પરગણાં જીતી લીધાં. પશ્ચિમમાં કોઇલથી પૂર્વમાં તિરહુત અને બિહાર સુધીનો ગંગાની ખીણનો પ્રદેશ તેના કબજા નીચે હતો. બંગાળનો શાસક પણ તેને ખંડણી આપતો હતો. ૧૩૯૯માં તેનું મૃત્યુ થયું. તેણે સ્વતંત્રતા જાહેર કરી ન હતી. મલિક સરવરના અનુગામી તેના દત્તકપુત્રે સુલતાન મુબારકશાહનું નામ ધારણ કર્યું હતું. તેણે સ્વતંત્રતા જાહેર કરતાં, મુહમ્મદ તુઘલુકના શક્તિશાળી વજીર મલ્લુ ઇકબાલખાને ૧૪૦૦માં જૌનપુર ઉપર ચડાઈ કરી. બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો નિર્ણાયક અંત આવે તેમ ન હોવાથી સુલેહ થઈ અને બંને લડનારા તેમની રાજધાનીઓમાં પાછા ફર્યા. મુબારકશાહનું ૧૪૦૨માં મૃત્યુ થયું. મુબારકશાહનો અનુગામી તેનો પુત્ર ઇબ્રાહીમ શમ્સ-ઉદ્-દીન નામ ધારણ કરીને જૌનપુરની ગાદીએ બેઠો. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુઘલુકે અને તેના વજીર મલ્લુ ઇકબાલે જૌનપુર ઉપર ફરી ચડાઈ કરી. વજીરના સ્વભાવથી કંટાળીને સુલતાને નાસી જઈને, કનોજમાં આશ્રય લીધો અને મલ્લુ ઇકબાલખાન લડ્યા વિના જ દિલ્હી પાછો ફર્યો. સુલતાન મુહમ્મદ મલ્લુ ઇકબાલખાનના મૃત્યુ પછી ૧૪૦૫માં દિલ્હી પાછો ફર્યો. ૧૪૦૭માં સુલતાન ઇબ્રાહીમે દિલ્હીના સુલતાન પાસેથી કનોજ જીતી લીધું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પણ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ દિલ્હીની મદદે આવે છે તેવી અફવા સાંભળી ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો. તેના ૧૪ વરસના શાસન દરમિયાન તેણે સાહિત્ય, કલા અને સંગીતને પ્રોત્સાહન આપ્યું. જૌનપુરના સુલતાને બયાના ૧૪૨૭માં અને કાલ્પી ૧૪૨૮ અને ૧૪૩૧માં જીતવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોનપુર, પૃ. ૫૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી