યશવંત શુક્લ


જ. 8 માર્ચ, 1915 અ. 23 ઑક્ટોબર, 1999

ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિવેચક, નિબંધકાર, પત્રકાર અને અનુવાદક યશવંત શુક્લનો જન્મ ઉમરેઠમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. તે સમયે ટ્યૂશનો કરી જાતે અર્થોપાર્જન કરતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. થયા પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી  ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા. ત્યારબાદ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં તેઓ પુસ્તકોની સમીક્ષાઓ લખતા તેમ જ ‘સંસારશાસ્ત્રી’ના ઉપનામથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા. તે દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે અને પછી મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૫માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(હાલની શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ)ના પ્રથમ આચાર્ય તરીકે ૧૯૫૫થી ૧૯૭૮ સુધી યશસ્વી કામગીરી કરી. આ દરમિયાન ૧૯૭૪માં એકાદ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ સંભાળ્યું. તેમણે મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના મુખ્ય સંપાદક તરીકે લાંબો સમય કામ કર્યું. તેઓ કેટલોક સમય નૅશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય હતા. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. તેઓ ‘સંદેશ’માં અવારનવાર વિવેચનલેખો લખતા.

‘કેન્દ્ર અને પરિઘ’ (૧૯૮૦), ‘ઉપલબ્ધિ’ (૧૯૮૨) અને ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) જેવા ગ્રંથોમાં અભ્યાસપૂર્ણ લેખો છે. આ ઉપરાંત ‘ક્રાંતિકાર ગાંધીજી’(૧૯૮૦)માં ગાંધીવિચાર વિશે બે વ્યાખ્યાનો સંગ્રહિત છે. તાર્કિકતા, સ્પષ્ટતા અને સુઘડતા તેમનાં ગદ્ય લખાણોની વિશેષતા છે. તેમણે અનુવાદક તરીકે પણ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ટૉલ્સ્ટૉય અને ઉમાશંકર જોશીની વાર્તાઓનું સંપાદન કર્યું છે. આ ઊંચી કોટિના વિદ્વાન, સાહિત્યકાર અને સમર્થ કેળવણીચિંતકને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં રણજિતરામ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા.