જ. ૧૨ એપ્રિલ, ૧૮૮૫ અ. ૨૩ મે, ૧૯૩૦

ભારતીય પુરાતત્ત્વવિદ, ઇતિહાસકાર અને સાહિત્યકાર રખાલદાસ બેનરજીનો જન્મ કૉલકાતાના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં થયો હતો. પિતા માતીલાલ અને માતા કાલીમતી. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરામાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ એમ.એ.ની પદવી મેળવી. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શરૂઆતમાં કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્ત્વ વિભાગના સહાયક તરીકે જોડાયા. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સહાયક સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવાઓ આપી. ૧૯૧૭માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના વડા તરીકે નિયુક્ત થયા. ૧૯૨૨માં મોહેં-જો-દડોના ઉત્ખનનની પ્રશસ્ય કામગીરી સંભાળી. હડપન્ન સંસ્કૃતિ અને મોહેં-જો-દડોની સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા શોધવાનું શ્રેય તેમના ફાળે જાય છે. મોહેં-જો-દડોના ઉત્ખનનમાં તેમણે બૌદ્ધ ધર્મ પૂર્વેના કલાકારીગરીના નમૂના શોધી કાઢ્યા હતા. ૧૯૨૪માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પૂર્વવિભાગના વડા તરીકે નિમાયા પછી ગુપ્ત અને પાલ રાજવંશોના સંશોધનક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી અગ્રગણ્ય ઇતિહાસકાર તરીકે પંકાયા. ૧૯૨૬માં રાજીનામું આપી સેવાનિવૃત્ત થયા. યુનિવર્સિટી ઑવ્ કૉલકાતામાં અધ્યાપન કર્યા પછી ૧૯૨૮માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષપદે નિમાયા અને અવસાન સુધી એ હોદ્દા પર રહ્યા. ‘બંગલાર ઇતિહાસ (બે ખંડ), ‘હિસ્ટરી ઑવ્ ઓરિસા (બે ખંડ) ‘એજ ઑવ્ ધ ઇમ્પીરિયલ ગુપ્તાઝ’, જેવા સંશોધનમૂલક ગ્રંથો અને ‘પક્ષાંતર’, ‘વ્યક્તિક્રમ’ તેમજ ‘અનુક્રમ’ જેવી સાહિત્યિક કૃતિઓને કારણે રખાલદાસને ભારે ખ્યાતિ મળી હતી.
અમલા પરીખ