રમણલાલ ચી. શાહ


જ. ૩ ડિસેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫

નાટ્યકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક અને વિવેચક. જન્મ પાદરા ગામમાં થયો હતો. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થઈ ૧૯૫૦માં એમ.એ. અને ૧૯૬૧માં પીએચ.ડી. થયા. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે, ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછી અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેઓ ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ અને ૧૯૮૪થી જૈન સેન્ટર, લંડન-લેસ્ટરના માનદ નિયામક તરીકે રહ્યા.

પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપના વિવેચન-સંશોધન અભ્યાસલેખો પર તેમની આગવી પકડ હતી. ‘પડિલેહા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની પાસેથી ‘નલ-દવદંતી રાસ’, યશોવિજયજીકૃત ‘જંબુસ્વામી રાસ’ અને ઉદ્યોતનસૂરિકૃત ‘કુવલયામાલા’ના પ્રમાણભૂત સંશોધનગ્રંથો પ્રાપ્ત થયેલા છે.

‘શ્યામ રંગ સમીપે’ તેમનો નવ એકાંકી નાટિકાઓનો સંગ્રહ છે. તેમની પાસેથી અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર ઉપરાંત હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, સમય-સુંદર જેવા જૈન સાહિત્યસર્જકોનાં જીવન અને કવનવિષયક પ્રમાણભૂત માહિતી મળે છે. પ્રવાસવિષયક પુસ્તકો ‘એવરેસ્ટનું આરોહણ’ (૧૯૫૫), ‘ઉત્તરધ્રુવની શોધસફર’ (૧૯૮૦), એશિયા ને યુરોપના પ્રવાસોનું વર્ણન ‘પાસપૉર્ટની પાંખે’ (૧૯૮૩), ઑસ્ટ્રેલિયાના પ્રવાસનું પુસ્તક ‘પ્રદેશે જય-વિજયના’ (૧૯૮૪) પણ ધ્યાનાકર્ષક છે.

‘સાંપ્રત સહચિંતન’ ભાગ ૧થી ૩(૧૯૮૦)માં એમની અનેક વિષયો પરત્વેની વિચાર પ્રતિક્રિયા વ્યક્ત થઈ છે. ‘જૈન ધર્મ’ (૧૯૭૫), ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’ (૧૯૭૬), ‘બૌદ્ધ ધર્મ’ (૧૯૭૭) વગેરે એમની પરિચય પુસ્તિકાઓ છે. ‘બે લઘુરાસકૃતિઓ’ (૧૯૮૪) વગેરે એમનાં સંપાદનો છે તો સૉનેટસંગ્રહ ‘મનીષા’ (૧૯૫૧) છે. ‘રાહુલ સાંકૃત્યાયન’ એમનો અનુવાદગ્રંથ છે. ભાષાસાહિત્યના અભ્યાસીઓને તેમની કૃતિઓ ઘણી ઉપયોગી નીવડે તેવી છે. વૈજ્ઞાનિક સંશોધનની રીતે છતાં રસપ્રદ શૈલીમાં લખાયેલા તેમના લેખો ખૂબ જ માહિતી પૂરી પાડે છે.

રાજશ્રી મહાદેવિયા