જ. ૨૩ નવેમ્બર, ૧૮૮૨ અ. ૮ એપ્રિલ, ૧૯૫૩
આર્થિક સ્વતંત્રતા એ રાજકીય કે સામાજિક સ્વતંત્રતાના પાયારૂપ છે, આ સિદ્ધાંત ખાતર જેઓ આખી જિંદગી લડતા રહ્યા એવા દેશભક્ત ઉદ્યોગપતિ વાલચંદ દોશીનો જન્મ સોલાપુરમાં થયો હતો. પિતા હીરાચંદ રૂના વેપારી તથા ધીરધારનો ધંધો કરતા હતા. વાલચંદભાઈએ ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. પિતાની તબિયત અસ્વસ્થ રહેવાથી બી.એ.ની અંતિમ પરીક્ષા આપ્યા વગર કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયા. તેઓ બધી જ્ઞાતિઓની વ્યક્તિઓ સાથે ભળતા, ખાતાપીતા અને અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. તે પોતે ઓછું ખર્ચાળ અને સાદું જીવન જીવતા હતા અને ખાદી જ પહેરતા. ભારતે જ સ્વનિર્ભર થઈ, પોતાના ઉદ્યોગો વિકસાવી, ઉત્પાદન વધારવું જરૂરી છે જેથી કરીને લોકોને બ્રિટિશ વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે – એવા દાદાભાઈ નવરોજીએ કરેલા સંવેદનશીલ ભાષણે યુવાન વાલચંદ ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો અને તેમણે ભારતમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપી, બ્રિટિશ ઉદ્યોગોની હરીફાઈ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.
તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ, બૅંગાલુરુ ખાતે ઍરોપ્લેન બનાવવાનું કારખાનું તથા મુંબઈમાં કુર્લા ખાતે મોટરઉદ્યોગ સ્થાપીને ભારતના ઉદ્યોગવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ ખાંડઉદ્યોગ અને બાંધકામઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ સાહસિક ઉદ્યોગપતિ તરીકે અગ્રેસર હતા. અંગ્રેજ સરકારની નીતિઓનો જબરો પ્રતિકાર કરતા. ભારત કંઈ પણ હાંસલ કરવાને શક્તિમાન છે તેમ તે ખાતરીપૂર્વક માનતા. તેઓ આંતરરાષ્ટ્રીય વેપારની આંટીઘૂંટીઓને પણ સારી રીતે સમજતા હતા. ભારતમાં તે સમયે એક પણ શિપયાર્ડ ન હોવાને કારણે, તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ સ્થાપ્યો. મરીન એન્જિનિયરિંગ અને વાયરલેસ કૉમ્યુનિકેશન અને તેવી અન્ય વિદ્યાઓ ભારતવાસીઓએ હસ્તગત કરવી જોઈએ તેવો આગ્રહ પણ તેમણે રાખ્યો હતો. તેમની રચનાત્મક તેમજ સંશોધક કલ્પનાશક્તિએ નૂતન ભારતનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરી છે.
અમલા પરીખ