વિઠ્ઠલદાસ દામોદર ઠાકરશી


જ. ૩૦ નવેમ્બર, ૧૮૭૩ અ. ૧૨ ઑગસ્ટ, ૧૯૨૨

પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દાનવીર અને સામાજિક કાર્યકર્તા સર વિઠ્ઠલદાસનો જન્મ મુંબઈમાં ભાટિયા જ્ઞાતિના વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. ૧૮૯૧માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તે પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. પિતાના ધંધામાં જોડાવા માટે અભ્યાસ અધૂરો છોડ્યો, પરંતુ જ્ઞાન મેળવવાની લગની તીવ્ર હોવાથી અંગ્રેજી, સંસ્કૃત, હિંદુ ધર્મ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વગેરેનો અભ્યાસ ઘરે રહીને કર્યો. ૧૮૯૪માં મુંબઈના કાપડઉદ્યોગની સુધારણાની જરૂરિયાતો વિશે ગુજરાતીમાં મૌલિક લેખ લખ્યો. ટૂંકા ગાળાના ધિરાણની મદદથી પ્રજાકલ્યાણ માટે જાહેર બાંધકામો કરવાનો આગ્રહ કરતી નોંધ તેમણે તૈયાર કરી હતી. અતિશય વાંચન, અધ્યયન અને કઠિન પરિશ્રમને પરિણામે તેઓ કાબેલ વેપારી અને સાહસિક ઉદ્યોગપતિ બન્યા. તેમને વિપુલ ધનરાશિ પ્રાપ્ત થઈ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈના અગ્રગણ્ય શ્રીમંતોમાં તેમની ગણના થવા માંડી. દેશના ઔદ્યોગિક વિકાસમાં તથા ખાસ કરીને કાપડઉદ્યોગક્ષેત્રે તેમનું યોગદાન અત્યંત મૂલ્યવાન ગણાય છે.

સર વિઠ્ઠલદાસ જાહેરજીવન અને રાજકારણમાં પણ સક્રિય હતા. ૧૯૦૦ના દશકમાં તેઓ ઇમ્પીરિયલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાના સભ્ય હતા. ૧૯૦૩માં કૉલકાતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઔદ્યોગિક સંમેલનની અધ્યક્ષતા કરી. તેઓ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, મુંબઈ ધારાસભા અને કેન્દ્રીય ધારાસભાના સભ્ય હતા. તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસના સમર્થક હતા. તેમણે અનેક સખાવતો કરી છે. કાશી, દ્વારકા અને અન્ય યાત્રાધામોની પાઠશાળાઓને તેમણે દાન કર્યાં છે. ધોંડો કેશવ કર્વેની મહિલા તાલીમશાળા અને હિંગણે આશ્રમ(પુણે)ને તેમણે આર્થિક મદદ કરી છે. માતા નાથીબાઈની સ્મૃતિમાં ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી’ (SNDT) મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. મુંબઈના કામદાર વિસ્તાર પરેલમાં પિતાની યાદગીરીમાં ૧૯૧૯માં દામોદર ઠાકરશી હૉલ બંધાવ્યો. ૧૯૫૯માં તેમનાં પત્ની પ્રેમલીલા ઠાકરશીએ સર વિઠ્ઠલદાસ ઠાકરશી કૉલેજ ઑવ્ હોમસાયન્સની સ્થાપના કરી.

૧૯૦૮માં બ્રિટિશ સરકાર દ્વારા ‘નાઇટ’ની ઉપાધિથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ