જ. ૧૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૨૩ એપ્રિલ, ૨૦૧૩

ભારતીય ચલચિત્રની પાર્શ્વગાયિકા શામશાદ બેગમે હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવેલાં. મિયા હુસેન બક્ષ તથા ગુલામ ફાતિમાની દીકરી શમશાદને ગ્રામોફોન સાંભળીને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમની રિયાઝ કરવાની રીત હતી અને આ જ સંગીતસાધના હતી. જોકે ત્યારે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો બધો રસ લે તે ગમતું નહીં. તે જમાનો એવો હતો કે દીકરી ગાયિકા બને તેવું મા-બાપ ઇચ્છતાં નહીં. આવી વિપરીત સ્થિતિમાં પણ શમશાદે સંગીત તરફનો લગાવ જાળવી રાખ્યો. સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે જ્યારે શામશાદને ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે તેમની પાસે એક પંજાબી ગીત ગવડાવ્યું. તે ગીતની રેકર્ડ બનાવી અને તે બહાર પડી, પહેલા જ પ્રયાસમાં ખૂબ વેચાઈ. તે પછી તો બીજાં ગીતોની પણ રેકર્ડ બહાર પડતી ગઈ અને શમશાદ રેડિયો કલાકાર બની ગયાં. શમશાદને ચલચિત્રમાં ‘પાર્શ્વગાયન એટલે શું ?’ તે ખબર ન હતી. દલસુખ પંચોલીએ તેમને પહેલી તક આપી. તેમણે ‘યમલાજટ્ટ’ પંજાબી ચલચિત્ર માટે આઠ ગીત ગાયાં અને તે ખૂબ લોકપ્રિય થયાં. ત્યારબાદ લાહોરમાં જ ‘ખજાનચી’ ચલચિત્ર માટે હિંદી ગીતો ગાવાની તક મળી, ચિત્રની સફળતામાં ગીતસંગીતનો ઘણો ફાળો હતો. ત્યારબાદ ૧૯૪૪માં શમશાદ બેગમ મુંબઈ આવ્યાં અને ગાયિકા તરીકે બહુ જલદી સ્થાપિત થઈ ગયાં. એ સમયના તમામ અગ્રણી સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં. હિંદી ફિલ્મોમાં તેમનો સફળ સમય ૧૯૪૦થી ૧૯૫૫ સુધી હતો. ૯૪ વર્ષની જઈફ વયે તેમનું મૃત્યુ થયું. તેમને ઓ. પી. નૈયર ઍવૉર્ડ અને ૨૦૦૯માં પદ્મભૂષણ મળ્યા હતા. ૨૦૧૬માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.
અંજના ભગવતી