ભારતમાં મોટે પાયે ઊગતી, ઇમારતી લાકડું આપતી એક વનસ્પતિ. સાગનાં ઝાડ ભારત ઉપરાંત અગ્નિ-એશિયાના બીજા દેશોમાં પણ થાય છે. ભારતમાં સાગ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસા તથા દક્ષિણ ઉત્તરપ્રદેશમાં થાય છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટકનાં વનોમાં ઘણી જગ્યાએ સાગનાં વિશાળ કદનાં વૃક્ષો જોવા મળે છે. સ્વરૂપ અને બાહ્ય લક્ષણો : સાગનું થડ નળાકાર અને મોટા ઘેરાવાવાળું હોય છે. તેનાં પર્ણો સાદાં, સામસામાં ગોઠવાયેલાં, ૩૦થી ૬૦ સેમી. લાંબાં અને ૨૦થી ૩૦ સેમી. પહોળાં હોય છે. તેઓ તળિયેથી લાલાશ પડતાં હોય છે. તેનાં પુષ્પો નાનાં, સફેદ, મીઠી સુવાસવાળાં અને ઝૂમખામાં ઊગે છે. તેને ફળો ખૂબ જૂજ બેસે છે. ફળો નાનાં, સખત, કાષ્ઠમય, અનિયમિત ગોળાકાર અને ઉપરથી રુવાંટીવાળાં હોય છે. બીજ સફેદ રંગનાં હોય છે.

સાગનાં પર્ણો શુષ્ક ૠતુઓમાં નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે. ભેજવાળાં સ્થળોએ પર્ણો માર્ચ કે તેથી પણ વધુ સમય ટકે છે. સાગનાં વૃક્ષો ગરમ ૠતુના મોટા ભાગના સમય દરમિયાન પર્ણો વિનાનાં હોય છે. નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઊગે છે. વૃક્ષ પર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પુષ્પો ફૂટે છે. અસાધારણ ભેજવાળી પરિસ્થિતિમાં એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. નવેમ્બરથી જાન્યુઆરીમાં ફળ પરિપક્વ બને છે. સાગ ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. તે પૂરતી ભેજવાળી, ઉષ્ણ અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સૌથી સારી રીતે થાય છે. તેને ફળદ્રૂપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. કાષ્ઠ : સાગનું લાકડું સૌથી ટકાઉ ગણાતાં લાકડાં પૈકીનું એક છે. તે પાણીમાં કોહવાતું નથી અને કડવું હોવાથી તેમાં કીડા લાગતા નથી. સૌથી ચડિયાતો સાગ મલબારનો હોય છે. તેનાથી ઊતરતો જાવામાં અને તેથી ઊતરતો બ્રહ્મદેશમાં થાય છે. સાગમાં ઘણાબધા સારા ગુણો હોવાથી તે લાકડાનો રાજા ગણાય છે. સાગનું વૃક્ષ ઉત્તમ અને કીમતી ઇમારતી લાકડું આપે છે. તે આકાર-જાળવણી અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તે રંગ, રૂપ, ઘાટ-ઘડતર માટેની ક્ષમતા અને આંતરિક રેસાગુંફનની દૃષ્ટિએ બહુ જ ઉચ્ચ પ્રકારનું કાષ્ઠ ગણાય છે. તેનો બહારનો ભાગ સફેદથી આછા પીળાશ પડતા રંગનો અને મધ્ય ભાગ સોનેરી પીળો હોય છે. તેમાં ઘેરા લિસોટા હોય છે. તેનું કાષ્ઠ સખત, બરછટ, જાડું, અનિયમિત બંધારણ ધરાવતું અને તીવ્ર વાસવાળું હોય છે. સાગનો મધ્ય ભાગ સૌથી ટકાઉ હોય છે. કાષ્ઠમાં રહેલા વાયુના શોષણની દૃષ્ટિએ સાગનું કાષ્ઠ ઉત્તમ ગણાય છે. તે ભેજમાં થતા ફેરફારો સારી રીતે સહન કરી શકે છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે અને તેમાંથી કોઈ પણ ઘાટ સરળતાથી ઉતારી શકાય છે. ઉપયોગો : સાગ દુનિયાની મોંઘી ઇમારતી જાતોમાં સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ રાચરચીલું, ઇમારતો, પુલ, રેલવેના સ્લીપરો, પ્લાયવૂડ-ઉદ્યોગ અને સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગો માટે; ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે ઉપયોગી છે. વળી તે કોતરકામ અને નિર્ધારિત નમૂનાઓ (મૉડલ) માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે ઉપયોગી છે. તે વહાણવટાના ઉદ્યોગમાં પણ ખૂબ ઉપયોગી છે. સાગ પ્રયોગશાળાઓમાં મેજના ઉપરના તખ્તા જડવામાં મોટે પાયે વપરાય છે.
શુભ્રા દેસાઈ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગ, પૃ. ૯૭)
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી