ભારતના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલી પર્વતમાળા.
તે 22 27’ ઉ. અ. અને 76
22´ પૂ. રેખાંશની આજુબાજુ વિસ્તરેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. પૂર્વમાં અમરકંટકથી તેનો આરંભ થાય છે. પશ્ચિમે દક્ષિણ ગુજરાતમાં તે પ્રવેશે છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની ઉત્તરે પથરાયેલી છે. તે આ બંને નદીઓ વચ્ચે જળવિભાજક બની રહે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં તેનો પ્રસ્તાર છે. પશ્ચિમે રાજપીપળાની ટેકરીઓ સ્વરૂપે તે પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) સુધી લંબાઈ છે. અહીં અસીરગઢનો પહાડી કિલ્લો આવેલો છે.

સાતપુડા પર્વતમાળા
સાતપુડા પર્વતમાળાની લંબાઈ આશરે 900 કિમી. છે. તેની સરાસરી ઊંચાઈ 750 મી. જેટલી છે. 1200 મી.ની ઊંચાઈવાળાં શિખરો ધરાવતી આ હારમાળામાં મહાદેવ-ટેકરીઓ, મૈકલ ટેકરીઓ તથા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે. આ ટેકરીઓ સાતપુડા હારમાળાની પૂર્વ તરફ વિસ્તરેલી છે. તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય હારમાળાનો કેટલોક ભાગ પણ ક્યારેક તેમાં ગણાય છે. મધ્યપ્રદેશમાં આવેલું પચમઢી એ ‘સાતપુડાની રાણી’ તરીકે જાણીતું બનેલું ગિરિમથક છે.
સાતપુડા ટેકરીઓનો પૂર્વ તેમ જ પશ્ચિમ બાજુનો મોટો ભાગ સ્તરબદ્ધ લાવા પ્રવાહોવાળા બેસાલ્ટ ખડકોથી બનેલો છે. આ લાવાપ્રવાહોથી બનેલા ખડકોનાં આવરણ ઉપરાંત તેનો મધ્ય ભાગ ગ્રૅનાઇટના જેવાં લક્ષણોવાળા ખડકોથી તથા રૂપાંતરિત ખડકોથી બનેલો છે. તેમની ઉપર ગોંડવાના રચનાના રેતીખડકો રહેલા છે. સાતપુડાના કેટલાક ભાગો ગેડીકરણ તેમ જ ઊર્ધ્વગમનના પુરાવા રજૂ કરે છે. આર્થિક દૃષ્ટિએ તો આ હારમાળાનો ભાગ સમૃદ્ધ નથી, પરંતુ તેના અગ્નિભાગમાં મૅંગેનીઝ અને ખનિજકોલસાના જથ્થાનું ખનનકાર્ય થાય છે. ઉચ્ચપ્રદેશીય વિભાગ જંગલોથી છવાયેલો છે. પશ્ચિમ ભાગમાં સાગનાં મૂલ્યવાન વૃક્ષો આવેલાં છે. મહાદેવ-ટેકરીઓમાંથી વહેતી વૈનગંગા અને પેંચ નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે. ઊંચી ટેકરીઓવાળા ગોંડ ટેકરી વિભાગમાંની આદિવાસી પ્રજા ઝૂમ (સ્થળાંતરિત) ખેતી કરે છે. અહીંની ખીણોમાં થઈને જબલપુર-મુંબઈ સડક અને રેલમાર્ગ જાય છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-૯-માંથી