અતુલચંદ્ર ઘોષ


જ. ૨ માર્ચ, ૧૮૮૧ અ. ૧૫ ઑક્ટોબર, ૧૯૬૧

ભારતની આઝાદીની ચળવળના બંગાળના એક અગ્રણી રાજકીય નેતા. તેમનો જન્મ ખાંડઘોષા, બર્દવાન, બંગાળમાં થયો હતો. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં, પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડેલું. ૧૯૦૮માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી. નિબારણચંદ્ર દાસગુપ્તાના સાથમાં તેમણે બંગાળના પુરબિયા જિલ્લામાં તેલ્કાપાડા ગામ ખાતે ‘શિલ્પાશ્રમ’ની સ્થાપના કરી, જેમાં ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૨૧માં વકીલાત બંધ કરી, અસહકારની ચળવળમાં જોડાયા, ત્યાંથી જાહેરજીવનની શરૂઆત થઈ. આઝાદીને પ્રેરક કામો શરૂ કર્યાં. બંગાળી સાપ્તાહિક પત્ર ‘મુક્તિ’ના તે સંપાદક હતા. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ૧૯૨૧-૩૫ દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને ૧૯૩૫-૪૭ દરમિયાન તેના પ્રમુખ હતા. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. આ ઉપરાંત ૧૯૩૨, ૧૯૪૫માં પણ કારાવાસ ભોગવેલો. ૧૯૪૭માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ તેમાં જે ઢંઢેરો આ સંસ્થાએ બહાર પાડેલો તેમાં ગાંધીજીની વિચારણાનો પડઘો સ્પષ્ટપણે જોવા મળે છે. માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે ૧૯૫૦-૫૨ દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની સાથે સક્રિય રહેલું હતું. સંતાનોને તેમણે સ્વતંત્રતા અને સ્વદેશીના સંસ્કારો આપ્યા હતા. તેમનાં પત્ની લાવણ્યપ્રભા ઘોષ પણ આઝાદીની ચળવળનાં સૈનિક હતાં. અતુલચંદ્ર ઘોષનું અવસાન કૉલકાતામાં થયું હતું. લોકો પ્રેમથી તેમને ‘માનભૂમ કેસરી’ નામે સંબોધતા અને તેમનાં પત્નીને ‘માનભૂમ જનની’ તરીકે સંબોધતા.

અમિતાભ મડિયા