અનુતાઈ વાઘ


જ. ૧૭ માર્ચ, ૧૯૧૦ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૨

પૂર્વશાળાશિક્ષણનાં અગ્રણી અને મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ કેળવણીકાર. તેમનો જન્મ પુણેમાં થયો હતો. અનુતાઈનાં લગ્ન ઘણી નાની ઉંમરે શંકર વામન જાતેગાવકર સાથે થયેલાં, પણ દુર્ભાગ્યે છ મહિનામાં જ તેઓ વિધવા થયાં. આથી તેમણે વાઘ અટક જ ચાલુ રાખી. તેઓ વિધવા થયાં ત્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી અને તે સમયના રીતિરિવાજો મુજબ તેમને શું કરવું તે મૂંઝવણ હતી, પણ સદભાગ્યે તેમના કુટુંબીજનો દ્વારા તેમને અભ્યાસ કરવા સાથ આપ્યો. ૧૯૨૫ની વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યાં. ત્યારબાદ ૧૯૨૯માં પુણેની ‘વિમેન્સ ટ્રેનિંગ કૉલેજ’માંથી ‘પ્રાઇમરી ટીચર્સ સર્ટિફિકેટ કોર્સ’ કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ સુધી તેમણે નાશિક જિલ્લાના ચાંદવડ તાલુકાની શાળામાં વિદ્યાર્થિનીઓને ભણાવ્યું. ૧૯૫૦માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી; એટલું જ નહીં, ૧૯૬૧માં એકાવન વર્ષે મોતિયાની તકલીફ સાથે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૪૫માં તેઓ તારાબાઈ મોડકને મળ્યાં અને તારાબાઈએ પાલઘરમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવાની યોજના જણાવી. આ એક પ્રયોગાત્મક શાળાની યોજના હતી જેમાં અનુતાઈએ પોતાનો સહકાર આપવાનું વચન આપ્યું જે જિંદગીભર નિભાવ્યું. અહીં ઓછા ખર્ચે શિક્ષણ આપી બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ હતો. તારાબાઈ મોડકના ‘શિક્ષણ પત્રિકા’ માસિક દ્વારા અનુતાઈને પણ બાળ-શિક્ષણમાં ઘણો રસ પડ્યો અને તેઓ તારાબાઈનાં વ્યાવસાયિક સાથીદાર તરીકે જોડાયાં. ૧૯૭૩માં તેઓએ કોસબાડામાં આદિવાસી શિક્ષણસંસ્થાના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૯૮૦માં અનુતાઈએ ‘બહેરાં-મૂંગાં’ બાળકો માટે શાળા શરૂ કરી. ૧૯૮૧માં ‘સ્ત્રી-શક્તિ જાગૃતિ સમિતિ’ તરફથી ‘સાવિત્રી’ માસિકની શરૂઆત કરી. તેમના પ્રદાન માટે તેમને મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨માં ‘આદર્શ શિક્ષિકા’ અને ૧૯૭૫માં ‘દલિત મિત્ર’, ૧૯૮૦માં ‘સાવિત્રી ફુલે, ૧૯૮૪માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ તથા ૧૯૮૫માં જમનાલાલ બજાજ પારિતોષિકો મળેલાં.

રાજશ્રી મહાદેવિયા