જ. ૧ ફેબ્રુઆરી, ૧૮૫૪ અ. ૯ મે, ૧૯૩૬
ભારતીય સ્વાતંત્ર્યસેનાની અને મહાત્મા ગાંધીજીના નિકટના સાથી તથા વડોદરા રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. તેમનો જન્મ ખંભાત, ગુજરાતના એક સમૃદ્ધ સુલેમાની વહોરા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ઘેર રહીને ઉર્દૂ, ફારસી અને કુરાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત મિશન સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો. અગિયાર વર્ષની વયે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૮૭૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૮૭૫માં બૅરિસ્ટર થયા. ઇંગ્લૅન્ડના રહેવાસ દરમિયાન પાશ્ચાત્ય જીવનપદ્ધતિ અને વિચારોથી પ્રભાવિત થવાથી ભારત પરત આવ્યા બાદ પણ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદાર રહ્યા. ૧૮૭૯માં વડોદરા રાજ્યની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નોકરી સ્વીકારી. મુસ્લિમ સમાજમાં કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેમણે તેના ફેલાવા માટે પ્રયાસ કર્યો. વડોદરાની અંજુમન-એ-ઇસ્લામ સંસ્થા તથા સુરમાયા-જમાતે સુલેમાની બોર્ડિંગ સ્કૂલનાં ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહ્યા. તેઓ સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાને સમર્થન કરતા. પડદાપ્રથાનો અસ્વીકાર કરવાની સાથે પોતાની પુત્રીઓને શાળામાં મોકલી તત્કાલીન રૂઢિગત રિવાજોને પણ પડકાર્યા હતા. ૧૮૮૫માં હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાના સમયથી જ તેના સભ્ય હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે આયોજિત એક સામાજિક સંમેલનમાં ભાગ લીધો અને ૧૯૧૯ પછી બ્રિટિશ શાસનના વિરોધી બન્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડના બનાવ અંગે રચાયેલી કૉંગ્રેસ તપાસ સમિતિમાં પણ જોડાયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. ૧૯૨૦માં ગુજરાત રાજકીય પરિષદ(અમદાવાદ)ના પ્રમુખ બન્યા. તેઓ બારડોલી સત્યાગ્રહમાં પણ જોડાયા અને ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ગાંધીજીની ધરપકડ પછી તેઓ આંદોલનના મુખ્ય નેતા બન્યા. તેથી ૭૮ વર્ષની વયે જેલમાં જવું પડ્યું. ૧૯૩૨માં પણ ફરી જેલવાસ થયો. તૈયબજીની ધરપકડ અને જેલની સજાના સંદર્ભે ગાંધીજીએ તેમને ‘ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ગુજરાત’ તરીકે નવાજ્યા હતા. ૧૯૩૩ અને ૧૯૩૫માં તે વડોદરા પ્રજામંડળના પ્રમુખ રહ્યા હતા.
રાજશ્રી મહાદેવિયા