અમૃતલાલ સુંદરજી પઢિયાર


જ. ૩ એપ્રિલ, ૧૮૭૦ અ. ૨ જુલાઈ, ૧૯૧૯

વિચારપ્રધાન ગદ્યના લેખક અને સમાજસુધારક અમૃતલાલનો જન્મ ચોરવાડમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વયે માતા કસ્તૂરબાઈનું અવસાન થતાં તેઓ પિતા અને ફોઈઓની નજર નીચે ઊછર્યા. માત્ર છ જ ચોપડી ભણ્યા છતાં તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોવાથી લખવાનો શોખ તેમને શાળામાંથી જ લાગ્યો. કામગીરીના પ્રારંભમાં તેમણે કઠિન દિવસો વિતાવવા પડ્યા. ફક્ત ચણા ફાકીને પણ ચલાવવું પડેલું. શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં છાપાં-માસિકો વાંચી સંભળાવવાની નોકરી કરીને તેમની પાસે પ્રથમ પુસ્તક પ્રગટ કરાવ્યું. વિધવાઓની કરુણ સ્થિતિ વર્ણવતું ‘આર્યવિધવા’ (૧૮૮૧) અને ત્યાર બાદ ‘અમૃતવચનો’ (૧૯૦૦) જેવી પ્રારંભિક કૃતિઓ બાદ ‘સંસારમાં સ્વર્ગ’ (૧૯૦૨) અને ‘સરસ્વતીચંદ્ર’ ભાગ ત્રીજા અને ચોથાને અનુસરતી નવલકથા આપી જેનાથી સાહિત્યકાર તરીકે તેમને પ્રતિષ્ઠા મળી. તેમણે ‘સ્વર્ગ’ નામધારી સંખ્યાબંધ કૃતિઓ રચી જેમાં ધર્મસામાન્યની ભૂમિકા પર રહી નીતિમત્તા વગેરે મૂલ્યપ્રધાન જીવનનો મહિમા સ્થાપિત કર્યો. સ્વામી બ્રહ્માનંદજી પાસે તેમણે વૈદક અને યોગનો અભ્યાસ કર્યો હતો. નિર્ધનો અને અપંગોની શુશ્રૂષા અર્થે તેમણે આજીવન લગ્ન ન કરવાનું પ્રણ લીધું. ૧૯૧૮માંના દુકાળ સમયે સંકટગ્રસ્તોને બહુમૂલ્ય સેવા આપી. ઉત્તરાવસ્થામાં તેઓ ભાગવતભક્તિ તરફ ઢળ્યા હતા. ‘શ્રીમદ્ ભાગવતનો ટૂંકસાર’ તથા ‘પ્રેમ, પ્રેમ અને પ્રેમ’ એમની ભક્તિપ્રધાન બનેલા જીવનની રચનાઓ છે. તેમનું જીવન અને લેખન બંને સાદાં, સાત્ત્વિક ધર્માચરણયુક્ત હતાં. તેમનું લેખન મુખ્યત્વે ધાર્મિક આધાર લઈને જીવનશુદ્ધિ તરફ દોરનારું હતું. અલ્પશિક્ષિતોને ધર્મવિષયક માહિતી પૂરી પાડવામાં તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. કવિ ન્હાનાલાલે આ સૌજન્યશીલ અને સાધુચરિત પુરુષને ‘સૌરાષ્ટ્રના સાધુ’ની ઉપમા આપી છે. કૉલેરાને કારણે મુંબઈમાં તેમનું અવસાન થયું.