અયોધ્યાનાથ (એ.એન.)


ખોસલા ———-

જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪

સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સિંચાઈ સંબંધી અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમની સલાહ લેવામાં આવતી. તેમના અનેક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વ દબાણ અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ૧૯૫૧-૫૪ના સમયગાળામાં તેઓ આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના અધ્યક્ષપદે  હતા. ૧૯૫૪-૫૯ના સમય દરમિયાન રૂરકી યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું હતું. ૧૯૬૦-૬૨માં તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા ૧૯૫૯-૬૨ સુધી ભારત સરકારના આયોજન પંચના સભ્ય હતા. ૧૯૬૨-૬૭ના સમયગાળામાં  ઓડિશા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજજ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી. તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૫માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૭માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૭૪માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમલા પરીખ