અહંકાર આવે એટલે ભક્તિ ઓગળી જાય


એક વાર શ્રીકૃષ્ણ અર્જુન સાથે ફરવા નીકળ્યા. એવામાં એક બ્રાહ્મણને સૂકું ઘાસ ખાતો જોયો. એની અહિંસક વૃત્તિ જોઈને અર્જુનને આદર થયો, પરંતુ એણે કેડે બાંધેલી તલવાર જોઈને અતિ આશ્ચર્ય થયું. બ્રાહ્મણને પૂછ્યું, તો એણે કહ્યું, ‘હું ભગવાન શ્રીકૃષ્ણની એકનિષ્ઠ ઉપાસના કરું છું, પરંતુ મારે ચાર વ્યક્તિઓને એમના ગુનાની સજા કરવી છે. એમને માટે આ તલવાર રાખી છે. જો એ મળે તો આ તલવારથી એમનું મસ્તક ઉડાવી દઈશ.’ શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હોવાનો અહંકાર ધરાવતા અર્જુને જિજ્ઞાસાથી પૂછ્યું, ‘આટલો બધો ક્રોધ શાને ? કોણ છે એ ચાર વ્યક્તિઓ ?’ બ્રાહ્મણે કહ્યું, ‘જગતને તારનાર અને આતતાયીઓના સંહારક શ્રીકૃષ્ણને ખલેલ પહોંચાડનાર પ્રથમ વ્યક્તિ છે નારદ. બસ, એમને મન થાય એટલે શ્રીકૃષ્ણ પાસે પહોંચી જાય. સતત ભજન-કીર્તન કરી જાગતા રાખે. એમના આરામનો લેશમાત્ર ખ્યાલ ન રાખે.’અર્જુને કહ્યું, ‘વાત તો તમારી સાચી છે. બીજી વ્યક્તિ કોણ છે કે જેના પર તમે કોપાયમાન છો ?’ બ્રાહ્મણે કહ્યું, ‘બીજી વ્યક્તિ છે દ્રુપદની પુત્રી દ્રૌપદી. ભગવાન ભોજન આરોગતા હતા અને એમને પોકાર કરીને દ્રૌપદીએ બોલાવ્યા. શ્રીકૃષ્ણને ભોજન છોડીને તત્કાલ દોડવું પડ્યું. દુર્વાસા ઋષિના શાપમાંથી પાંડવોને ઉગાર્યા પણ ખરા. અરે ! આ દ્રૌપદીની ધૃષ્ટતા તો કેવી ? એણે પોતાનું વધ્યું-ઘટ્યું અન્ન પ્રભુને ખવડાવ્યું. જો આ ધૃષ્ટ દ્રૌપદી મળે તો એની બરાબર ખબર લઈ નાખીશ.’

અર્જુને કહ્યું, ‘સાવ સાચી વાત ભક્તરાજ, દ્રૌપદીએ શ્રીકૃષ્ણને ઘણી પીડા આપી છે. ત્રીજી વ્યક્તિ કોણ છે ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે હૃદયહીન પ્રહલાદ. એણે મારા પ્રભુને ગરમ તેલવાળી કડાઈમાં પ્રવેશ કરાવ્યો. હાથીના પગ નીચે કચડાવ્યા અને થાંભલામાંથી પ્રગટ થવા માટે વિવશ કર્યા.’ અર્જુને કહ્યું, ‘બરાબર. એણે પ્રભુને પારાવાર પરિતાપ આપ્યો.’ બ્રાહ્મણે કહ્યું, ‘આ ત્રણનો ગુનો તો ઠીક છે, પણ ચોથાના ગુનાને તો કોઈ રીતે માફ કરી શકાય તેમ નથી.

અર્જુને પૂછ્યું, ‘કોણ છે એ અક્ષમ્ય અપરાધ કરનાર ?’ બ્રાહ્મણે કહ્યું, ‘એ છે બાણાવાળી અર્જુન. મારા પ્રિય ભગવાનને એેણે પોતાના રથના સારથિ બનાવ્યા. આનાથી વધુ વિવેકહીન નિકૃષ્ટ અપરાધ બીજો કયો હોઈ શકે ?’ અર્જુન તો આ બ્રાહ્મણનાં વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયો. અપ્રતિમ કૃષ્ણભક્તિ હતી તેની. અર્જુનના મનનો ગર્વ ગળી ગયો. ભક્તિમાં જેટલી સાહજિકતા એટલી એની ઊંચાઈ વધુ. એમાં જ્યારે પ્રદર્શન કે અહંકાર આવે, ત્યારે ભક્તિ એ ઈશ્વરભક્તિ બનવાને બદલે આત્મભક્તિ બની જાય છે. સાચો ભક્તિવાન કદી અહંકાર કરતો નથી, કારણ કે એની પાસે એનું પોતાનું તો કશું હોતું નથી, કિંતુ પૂર્ણપણે સમર્પણશીલ હોય છે.

કુમારપાળ દેસાઈ