સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.
કુમારપાળ દેસાઈ