ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ના તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મૂંગે મોંએ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરે ધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કૅન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર આવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.
કુમારપાળ દેસાઈ