સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય’ કહ્યાં છે. આચાર્યનો અર્થ એ કે જે કઠણમાં કઠણ પ્રશ્ન શોધીને સરળ બનાવે. પોતે જાતે કઠણ કામ કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ વિશે કહે. સંત વિનોબાનાં માતા પડોશીની પત્ની બહારગામ ગયાં હોવાથી પોતાની રસોઈ બનાવીને પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતાં હતાં. એક દિવસ વિનોબાએ એમનાં માતાને પૂછ્યું, ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે, પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી પરમાર્થ થઈ શકે ખરો ?’ માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં આપણા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ વિનોબાજીના ઘરના વાડામાં ફણસનું ઝાડ હતું. એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ જોતા હતા. ફણસનું ઝાડ મોટું થયું. ધીરે ધીરે એના પર ફળ બેઠેલાં જોયાં એટલે વિનોબાજીને તોડવાનું મન થયું. એમની માતાએ કહ્યું, ‘હજી આ ફણસ કાચું છે. એ પીળું અને ઢીલું થાય પછી તું તોડજે.’ થોડા દિવસ પસાર થયા. ફણસનું ફળ પીળું અને ઢીલું થયું. માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી ફણસ ઉતાર્યું અને સમાર્યું. એના રસાદાર ટુકડા ખાવા માટે વિનોબાજી અને એમના મિત્રો ઉત્સુક હતા ત્યારે એમની માતાએ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેંચીને ખવાય. વિનોબાજી અને તેમના મિત્રો તો ફણસના રસાદાર ટુકડા ખાવા માટે ઉત્સુક હતા. એમનો જીવ ઝાલ્યો રહેતો ન હતો ત્યારે એમનાં માતાએ પ્રશ્ન કર્યો, ‘તમને દેવ ગમે કે રાક્ષસ ?’ વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે ‘દેવ’ કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.’ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણસના રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. એક સમયે માતાની નિશાળમાંથી બાળકને આ બધું શીખવા મળતું હતું. વિનોબાજીનાં માતા કશું ભણ્યાં નહોતાં. લખતાંવાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ બાળકની પાઠશાળા હતી.
આજે સમાજની ભલે પ્રગતિ થઈ હોય, પણ મૂલ્ય અને માનવતાનો હ્રાસ થયો છે. બીજાને માટે જાત ઘસનારની મજાક કરવામાં આવે છે અને બીજાના પર સત્તા જમાવનાર, શોષણ કરનારને કે બીજાના ધનની ઉચાપત કરીને ઘર ભરનારને રાક્ષસ નહીં, પણ દેવ ગણવામાં આવે છે.
કુમારપાળ દેસાઈ