આલ્બર્ટ આઇન્સ્ટાઇન


જ. ૧૪ માર્ચ, ૧૮૭૯ અ. ૧૮ એપ્રિલ, ૧૯૫૫

નોબેલ પારિતોષિકવિજેતા, જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ તેમજ સાપેક્ષવાદ (theory of relativity) સિદ્ધાંતના સ્થાપક તરીકે જાણીતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન બોલતાં મોડું શીખેલા. માતાની પ્રેરણાથી સંગીત શીખીને વાયોલિનવાદક તરીકે સિદ્ધિ પ્રાપ્ત કરેલી પણ કેવળ નિજાનંદ માટે જ તેઓ વાયોલિન વગાડતા હતા. કાકા જેકોબની પ્રેરણાથી ગણિતમાં અને કાકા કેઝર કૉકે દ્વારા વિજ્ઞાનમાં તેમને ઊંડી જિજ્ઞાસા જાગી હતી. પરિણામે બાર વર્ષના આલ્બર્ટમાં વિશાળ વિશ્વનાં વિવિધ રહસ્યોનો ઉકેલ શોધવાના મનોરથ જાગ્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ઝૂરિકની ફેડરલ પોલિટૅકનિક એકૅડેમીમાંથી ૧૯૦૦ની સાલમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. થોડો સમય શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ સ્વિટ્ઝર્લૅન્ડની પેટન્ટ ઑફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે તેમને નોકરી મળી હતી. જ્યાં તેમને વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની હતી. જેનાથી વૈજ્ઞાનિક સંશોધનોનાં પરિણામોના પાયામાં રહેલાં તથ્યો તારવવાની તેમની શક્તિ કેળવાઈ હતી. ૧૯૦૫માં ઝૂરિકના સુપ્રસિદ્ધ સામયિક ‘અનાલેં દર ફિઝિક’માં આઇન્સ્ટાઇનના પાંચ સંશોધનલેખ પ્રગટ થયા હતા. જેના પ્રથમ લેખ દ્વારા તેમને ઝૂરિક યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ હતી. E=MC2 સમીકરણના સંશોધન દ્વારા તેમને યુરોપના અગ્રણી વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમણે પ્રાથમિક અવલોકનોની મદદ લીધા વિના શુદ્ધ અને મૌલિક ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા ચકાસવાની નવી પ્રણાલી સ્થાપી હતી. ૧૯૨૧માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનને તેણે શોધેલ ‘ફોટોવિદ્યુત નિયમ અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે કરેલા પ્રદાન’ને માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અમેરિકા દ્વારા હિરોશીમા પર પરમાણુ બૉમ્બ ઝીંકાયો તેનું તેમને અપાર દુઃખ હતું. તેથી જિંદગીનાં છેલ્લાં વર્ષો તેમણે વિજ્ઞાનને સ્વાર્થી સત્તાધારી વર્તુળોના હાથમાં જતું ઉગારવામાં ગાળ્યાં હતાં.

અશ્વિન આણદાણી