ઉત્પલ દત્ત


જ. ૨૯ માર્ચ, ૧૯૨૯ અ. ૧૯ ઑગસ્ટ, ૧૯૯૩

ભારતીય અભિનેતા, નિર્દેશક, લેખક અને નાટ્યકાર. તેમનો જન્મ બારીસાલ, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. પ્રારંભિક શિક્ષણ સેંટ એડમંડ સ્કૂલ, શિલાંગમાં પ્રાપ્ત કરી ૧૯૪૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજિયેટ સ્કૂલ, કૉલકાતાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ૧૯૪૯માં કલકત્તા વિશ્વવિદ્યાલયની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી.

શાળાના અભ્યાસ દરમિયાન ૧૯૪૩માં શેક્સપિયરના ‘હૅમ્લેટ’માં ઘોરખોદિયાની ભૂમિકા દ્વારા નાટ્યક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ૧૯૪૭માં ‘ધ શેક્સપિયરીયન’ નામે નાટકમંડળી શરૂ કરી. ૧૯૪૯માં તેમણે ‘લિટલ થિયેટર ગ્રૂપ’ની સ્થાપના કરી.  શેક્સપિયર, બર્નાર્ડ શૉ, ટાગોર, ઇબ્સન અને ગોર્કીનાં નાટકોનું નિર્માણ કર્યું. ૧૯૫૦માં ન્યૂ એમ્પાયર ખાતે ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ નાટક બંગાળીમાં ભજવી બંગાળી રંગભૂમિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ ટાગોરનું ‘અચલાયતન’, ગિરીશચંદ્ર ઘોષનું ‘સિરાજુદૌલા’, માઇકલ મધુસૂદનનાં ૧૯મી સદીનાં નાટકો બંગાળી ભાષામાં રજૂ કર્યાં. ૧૯૫૧માં ‘ઇપ્ટા’(ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન)માં જોડાયા, પણ સમયાંતરે મતભેદો સર્જાતાં ઇપ્ટા છોડી દીધું.

૧૯૫૯માં ‘રેપરટરી થિયેટર મૂવમેન્ટ’થી બંગાળી રંગભૂમિમાં નવો ચીલો પાડ્યો. ૧૯૬૮માં ‘રાઇફલ’ નાટક દ્વારા ‘જાત્રા’ના પારંપરિક સ્વરૂપમાં નાટકો લખવાં-ભજવવાં શરૂ કર્યાં, જેમાં ‘નીલરક્ત’, ‘બૈશાખી મેઘ’, ‘મુક્તિદીક્ષા’, ‘બીબીઘર’ વગેરે જાણીતાં છે. તેમણે કેટલીક બંગાળી ફિલ્મોમાં અભિનય કરેલો જેમાં સત્યજિત રેની ફિલ્મો પણ છે. જોકે હિંદી સિનેમાના મશહૂર હાસ્ય અભિનેતા તરીકે તેમણે દર્શકોનાં દિલ જીત્યાં છે, જેમાં ‘ગુડ્ડી’, ‘ગોલમાલ’, ‘નરમ-ગરમ’, ‘રંગબિરંગી’ અને ‘શૌકીન’ નોંધપાત્ર છે.

તેમના પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા; જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (૧૯૭૦), ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતા પુરસ્કાર (૧૯૮૦), બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશન પુરસ્કાર(૧૯૯૩)નો સમાવેશ થાય છે. ભારતીય ટપાલ ખાતાએ ૨૦૧૩માં તેમના ફોટા સાથે પાંચ રૂપિયાની ટિકિટ બહાર પાડી હતી.

રાજશ્રી મહાદેવિયા