ઉસ્તાદ અલ્લારખાં


જ. ૨૯ એપ્રિલ, ૧૯૨૦ અ. ૩ ફેબ્રુઆરી, ૨૦૦૦

પ્રસિદ્ધ તબલાવાદક અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં નિપુણ, ઉસ્તાદ અલ્લારખાંનો જન્મ પંજાબના ગુરદાસપુર જિલ્લાના રતનગઢમાં થયો હતો. પિતા હાશિમઅલીના ખેતીકામના વ્યવસાયમાં તેમનું મન લાગ્યું નહીં. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે આકર્ષણ હતું. ૧૫ વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તે પછી તબલાવાદનની તાલીમ પ્રથમ પંજાબ ઘરાનાના લાહોરના કાદરબક્ષ પાસેથી અને ત્યારબાદ તેમના શાગિર્દ લાલમુહમ્મદ પાસેથી લીધી. થોડા સમય પછી પાછા ગુરદાસપુર આવી સંગીત-પાઠશાળા ખોલી. સાથે સાથે આકાશવાણીના લાહોર, દિલ્હી અને અન્ય કેન્દ્રો પર તબલાવાદન કરતા રહ્યા. મુંબઈ આવ્યા બાદ તેમણે ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરવાનું શરૂ કર્યું. તેઓ એ. આર. કુરેશીના નામથી ફિલ્મોમાં સંગીતનિર્દેશન કરતા. ૧૯૪૩થી ૧૯૬૪ની વચ્ચે લગભગ ૨૩ ફિલ્મો માટે સંગીતનિર્દેશન કર્યું જેમાં ‘મા-બાપ’, ‘સબક’, ‘મદારી’, ‘આલમઆરા’, ‘જગ્ગા’ વગેરે જેવી હિંદી ફિલ્મોનો સમાવેશ થાય છે. પંજાબી ફિલ્મોએ પણ તેમને ખૂબ લોકપ્રિય બનાવ્યા. તેમણે દેશવિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા. તેમણે વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર સાથે વિશ્વના ઘણા દેશોમાં તબલાસંગત કરી હતી. તબલાવાદન ઉપરાંત અલ્લારખાંએ ઠૂમરી અને ગઝલ જેવા ઉપશાસ્ત્રીય સંગીતમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈ સંગીત વિદ્યાલય ચલાવતા હતા, જેમાં તબલાવાદનની તાલીમને ખૂબ મહત્ત્વ આપતા. ૧૯૫૮માં ભારતીય સાંસ્કૃતિક મંડળના સભ્ય તરીકે તેમણે વિદેશયાત્રા કરી હતી. ૧૯૬૦માં યુનેસ્કો દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહેફિલમાં તબલાવાદન પ્રસ્તુત કરીને ખૂબ પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં હતાં. દૃઢ નિશ્ચય, કઠોર તાલીમ અને અનુશાસનને પરિણામે તેમણે તબલાવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જેને કારણે તેમની આ કલા દુનિયાભરમાં લોકપ્રિય બની અને આ કલા તથા વાદ્ય પ્રત્યે શ્રોતાઓનાં રુચિ અને સન્માન વધ્યાં. તેમને ૧૯૭૭માં પદ્મશ્રી પુરસ્કારથી અને ૧૯૮૨માં સંગીતનાટક અકાદમી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. તેમના પુત્ર ઝાકિરહુસેને તબલાવાદનમાં સમગ્ર દુનિયામાં અસાધારણ ખ્યાતિ મેળવી.