ઉસ્તાદ ઝાકિરહુસેન


જ. ૯ માર્ચ, ૧૯૫૧ અ. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪

તબલાવાદનની કલાના ઉસ્તાદ અને તે દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ઝાકિરહુસેનનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા ઉસ્તાદ અલ્લારખાં પંજાબ ઘરાનાના ખ્યાતનામ અને પારંગત તબલાવાદક હતા. તેમની તબલાવાદનની કલા ઝાકિરહુસેનને વારસામાં મળી હતી. શિશુવયથી જ પિતાને મળવા આવતા પ્રસિદ્ધ ગાયકો-વાદકોને મળવાનું થતું. પિતાના સ્ટુડિયોમાં પોતાનું રેકૉર્ડિંગ ચાલતું હોય ત્યારે બાળ ઝાકિરને પોતાની નાની આંગળીઓ વડે તબલાં વગાડવાની તક મળતી. ઝાકિરહુસેનને પિતા અલ્લારખાં ઉપરાંત પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબરખાં વગેરે જેવા મહાન વાદક કલાકારોની સંગત કરીને ઘણું શીખવા મળ્યું. તેઓએ તેમના પુરોગામી અને સમકાલીન ધુરંધર કલાકારોને ખૂબ સાંભળ્યા, ખૂબ શીખ્યા અને તબલાંના તાલની વિવિધ ખૂબીઓમાં પારંગત બન્યા. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા. પશ્ચિમનાં વાજિંત્રો સાથે સંગત કરીને તેમણે જે સંવાદ સાધ્યો તે અજોડ છે. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે અવનવા પ્રયોગો કરવામાં પણ તેઓ રસ ધરાવતા. લોકોને આનંદ આપે તેવી સંગીતની નવીનતાને તેઓ સ્વીકારતા. અમદાવાદમાં દર વર્ષે યોજાતા સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિકના શાસ્ત્રીય સંગીતના સમારોહમાં તેમના તબલાવાદનનું આયોજન કરવામાં આવતું જે ખૂબ લોકપ્રિય નીવડતું. તેમણે અનેક પ્રશસ્તિપત્રો, ઇનામો, વિશિષ્ટ પદકો અને સુવર્ણચંદ્રકો મેળવ્યાં છે. ૧૯૮૮માં તેમને સંગીતક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર અને ૨૦૦૨માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ગ્રેમી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં ‘પદ્મવિભૂષણ’ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

શુભ્રા દેસાઈ