સંત કબીર રોજ સાંજે પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના સમયની એમની તન્મયતા એવી કે આસપાસની સઘળી સૃષ્ટિ ભૂલી જતા. આંતરસૃષ્ટિમાં એકલીન બની જતા. કબીરનો પ્રાર્થનાનો સમય એમના વિરોધીઓ માટે પરેશાની કરવાનો ઉત્તમ સમય હતો. આ વિરોધીઓ એકત્રિત થઈને સંત કબીર અને એમના શિષ્યો સામે મોટેથી આક્ષેપો કરતા અને અપશબ્દો બોલતા, શોરબકોર અને ઠઠ્ઠામશ્કરી કરતા અને તાકીને કાંકરા પણ મારતા. વળી નજીક ઊભા રહીને જોરશોરથી ઢોલનગારાં પીટતા હતા. સંત કબીરની આંખો બંધ, અંતર પ્રાર્થનામાં ડૂબેલું અને ચિત્ત એકાગ્ર બનીને ભક્તિમાં રમમાણ હોવાથી એમને આવી ખલેલથી કોઈ પરેશાની થતી નહીં, પરંતુ એમના અનુયાયીઓ આવી હરકતોથી હેરાનપરેશાન થઈ ગયા હતા. એક વાર આવા વિરોધીઓએ મર્યાદૃા વટાવી દીધી. પ્રાર્થના સમયે સંત કબીર પર બેફામ આક્ષેપો કર્યા, મોટેથી બૂમબરાડા પાડ્યા, જોરશોરથી ઢોલ વગાડ્યાં. આ બધું જોઈને અનુયાયીઓની ધીરજ ખૂટી ગઈ. પ્રાર્થના તો જેમતેમ પૂરી કરી, પણ તત્કાળ સંત કબીરને કહ્યું, ‘ગુરુજી, હવે તો હદ થઈ ગઈ છે. દરેક વસ્તુને એની મર્યાદા હોય. આમ ક્યાં સુધી સહન કરીશું ?’
સંત કબીરે કહ્યું, ‘કેમ, શું થયું ? શા માટે આટલા બધા અકળાઈ ગયા છો ?’
શિષ્યો કહે, ‘આ તમારા વિશે આવું કહે તે અમારાથી સહ્યું જતું નથી. ક્યાં સુધી આ બધું સાંખી લઈશું ? અમારે આ બધાનો વળતો જવાબ આપવો છે.’
સંત કબીરે કહ્યું, ‘શેનો વળતો જવાબ ? શું થયું છે ?’
શિષ્યોએ કહ્યું, ‘જુઓને, આ લોકો પ્રાર્થનામાં કેટલી બધી ખલેલ પાડે છે. હવે એમને ખોખરા કરવા પડશે.’
કબીરે પૂછ્યું, ‘શું આપણી પ્રાર્થના વખતે અવાજો થાય છે ? ખલેલ પાડે છે ? તમને તે સંભળાય છે ? ક્યારે આ બધું થાય છે ?’
શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી ! આવું બધું આપણી પ્રાર્થનાના સમયે થાય છે.’
સંત કબીરે કહ્યું, ‘પ્રાર્થનાના સમયે આ થાય જ કઈ રીતે ? જો તમે સાચા દિલથી પ્રાર્થના કરતા હો તો તમને આ અવાજો સંભળાય કઈ રીતે ? એ પ્રાર્થના નથી, જેમાં એકાગ્રતા નથી.’ પ્રાર્થના એ આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન છે. જ્યારે આ અનુસંધાન સધાય, ત્યારે ભક્ત અને ભગવાનનું અદ્વૈત રચાય. આવા અદ્વૈત વખતે આસપાસની સૃષ્ટિના આઘાત-પ્રત્યાઘાતો સંભળાતા નથી. માનવી એ વખતે પોતાની આંતરસૃષ્ટિના આનંદમાં લયલીન થઈ જતો હોય છે, બહારનું સઘળું લુપ્ત થઈ જતું હોય છે. બાહ્ય ઇચ્છાઓ, એષણાઓ, યાચનાઓ સર્વથા આથમી જાય, ત્યારે હૃદયમાંથી પ્રાર્થનાનો સૂર પ્રગટ થતો નથી. ભીતર પ્રભુભક્તિમાં લીન થાય, તો જ ઈશ્વર સાથે એનો તંતુ સંધાય. ત્યારે જ એ પ્રાર્થના ઈશ્વરને સંભળાય.
કુમારપાળ દેસાઈ