જ. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૧૫ મે, ૨૦૨૪
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાત રાજ્યનાં પૂર્વગવર્નર કમલા બેનીવાલનો જન્મ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે એક જાટ પરિવારમાં થયો હતો. માત્ર ૧૫ વર્ષની વયે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ‘ભારત છોડો’ ચળવળમાં સામેલ થયાં હતાં. કમલા બેનીવાલ ૨૭ વર્ષની વયે ૧૯૫૪માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યાં હતાં. ૧૯૫૪થી જ તેમણે રાજસ્થાનમાં એક પછી એક કૉંગ્રેસ સરકારોમાં મંત્રીપદે રહી ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલમંત્રીપદે રહ્યાં હતાં. ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કૅબિનેટ પ્રધાન તરીકે તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. એક મંત્રી તરીકે લગભગ ૫૦ વરસ સુધી રાજસ્થાન સરકારમાં સેવાઓ આપી. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ પ્રદેશ કૉંગ્રેસ પક્ષની કામગીરી સાથે પણ સંકળાયેલાં હતાં. કમલા બેનીવાલને ઑક્ટોબર, ૨૦૦૯માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ પૂર્વોત્તર ભારતમાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. એક મહિના બાદ ૨૭ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેમને ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે ચાર વરસથી વધુ સમય માટે સેવા આપી હતી. ૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી. ૯૭ વર્ષની વયે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ કમલા બેનીવાલનું અવસાન થયું હતું.
અશ્વિન આણદાણી