કર્નલ જેમ્સ ટૉડ


જ. ૨૦ માર્ચ, ૧૭૮૨ અ. ૧૮ નવેમ્બર, ૧૮૩૫

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી. સ્કૉટલૅન્ડના ઇસ્લિંગટનમાં જન્મેલા જેમ્સ ટૉડને માત્ર સત્તર વર્ષની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયુક્તિ મળી. ૧૮૧૩માં તેમને કૅપ્ટનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૧૮થી ૧૮૨૨ સુધી તેઓ પશ્ચિમી રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ તરીકે કાર્યરત રહ્યા. તેમણે રાજપૂત રાજ્યોમાં શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. પરિણામ સ્વરૂપે માત્ર એક જ વર્ષમાં અગાઉ ખાલી થયેલાં ૩૦૦ જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ થયો. તેમણે તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન લોકોની ખૂબ ચાહના મેળવી. બ્રિટિશ રાજના રાજપ્રતિનિધિ તરીકે તેમનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય રહ્યું. તેમની નિમણૂક દરમિયાન જ્યારે તેઓ પહેલી વાર ઉદયપુર ગયા ત્યારે રાજપૂતાના અને તેના આસપાસના પ્રદેશોના ટોપોગ્રાફિકલ નકશા તૈયાર કર્યા અને રાજપૂતાના પર નવો ઇતિહાસ-ગ્રંથ લખી ઇતિહાસનું પુનર્લેખન કરવાનું નક્કી કર્યું. ૧૮૧૯માં જોધપુર પહોંચી તેમણે પુરાતત્ત્વ પર ગહન શોધકાર્ય કર્યું. તેમણે ઘણી મુદ્રાઓ તથા અભિલેખોનો સંગ્રહ કર્યો જે ઇતિહાસલેખનમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. ત્યારબાદ અજમેર, પુષ્કર, જયપુર, સીકર, ઝૂંઝનૂ, પાલી, મેડતા આદિ જગ્યાઓએ રહી ગ્રંથ માટે આધારસામગ્રી ભેગી કરી. આમ અથાગ મહેનત બાદ ૧૪ જાન્યુઆરી, ૧૮૨૩માં તેમણે ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ કૃતિ પ્રકાશિત કરી. ૧૮૨૯માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમની સુવિખ્યાત રચના ‘એનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન ઑફ ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑફ ઇન્ડિયા’નો પ્રથમ ભાગ તથા ૧૮૩૪માં બીજો ભાગ પ્રકાશિત થયો. તેમની રચનામાં સર્વપ્રથમ વાર ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થયો. તેમને રાજસ્થાનના ઇતિહાસ-લેખનના પિતામહ માનવામાં આવે છે. તેમનું નામ અને કામ ઇતિહાસ અને યાત્રા-સાહિત્યમાં બહુ આદર સાથે લેવાય છે.

રાજશ્રી મહાદેવિયા