જ. ૬ ફેબ્રુઆરી, ૧૯૧૫ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮

હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પણ પ્રદીપ નામથી વધુ જાણીતા થયા. તેમનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ તથા લખનઉમાં સંપન્ન થયું. ‘ટીચર્સ ટ્રેનિંગ કોર્સ સંપૂર્ણ કરી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. એક વાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં આકસ્મિક મુલાકાત થતાં તેમની સાથે અમદાવાદ આવ્યા અને ૧૯૩૮માં ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળ બાર જેટલાં હિંદી કાવ્યોવાળી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. મુંબઈમાં કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચનાથી અને ગાનથી પ્રભાવિત થયેલા એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત હિમાંશુ રૉય સાથે કરાવી અને તેમણે પ્રદીપજીને ‘કંગન’ (૧૯૩૯) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપી. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા ૧૫૦૦થી ૧૭૦૦ જેટલી થાય છે. તેમને લોકપ્રિયતા બક્ષી હોય તેવાં ચલચિત્રોમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’ એમ લાંબી યાદી છે. પણ ‘આંખ કા તારા’ તેમનું અંતિમ ચલચિત્ર સાબિત થયું. તેમણે ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેમાં પણ ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલકે’, ‘ઇન્સાફકી ડગર પે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડગ…’ જેવી રચનાઓ લગભગ દરેક પરિવારમાં નાનાથી મોટા પણ ગાતાં હોય છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દેશભક્તિ અને ઈશ્વરભક્તિ જોવા મળે, પણ તેમણે શૃંગારરસ ધરાવતાં ગીતોની પણ રચના કરેલી. જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘અય મેરે વતન કે લોગો’ ગીતથી મળી. પ્રદીપજીએ આ ગીતની રૉયલ્ટી ‘વૉર વિડોઝ ફંડ’ને અર્પણ કરેલી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા; જેમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૬૧), ‘બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન શ્રેષ્ઠ ગીતકાર ઍવૉર્ડ’ (૧૯૭૫) તથા ૧૯૯૭-૯૮ના વર્ષના ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. ૨૦૧૧માં ભારત સરકારે તેમના સન્માનમાં રૂ. પાંચની ટપાલટિકિટ બહાર પાડેલી.
રાજશ્રી મહાદેવિયા