કાંશીરામ


જ. ૧૫ માર્ચ, ૧૯૩૪ અ. ૯ ઑક્ટોબર, ૨૦૦૬

‘બહુજન નાયક’, ‘માન્યવર’ અથવા ‘સાહબ કાંશીરામ’ વગેરે નામથી જાણીતા કાંશીરામનો જન્મ  પીર્થીપુર બન્ગા ગામ, રોપર જિલ્લો, પંજાબમાં થયો હતો. તેઓ ચમાર જાતિના શીખ પરિવારમાં જન્મ્યા હતા. વિવિધ સ્થાનીય શાળાઓમાં શિક્ષણ મેળવી, ૧૯૫૬માં રોપરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એસસી. થયા. ભણતર બાદ તેઓ પુણેની એક્સપ્લોઝિવ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ લૅબોરેટરીમાં જોડાયા. ડૉ. આંબેડકરના પુસ્તક ‘એનિહિલેશન ઑવ્ કાસ્ટ’ની તેમના ઉપર ખૂબ અસર થઈ હતી. તેમણે બહુજન, પછાત અને દલિતોના ઉદ્ધાર માટે કામ કરવાનું પ્રણ લીધું હતું. તેમણે ૧૯૮૧માં દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી હતી. દલિતોના સંગઠન અને વોટ ભેગા કરવા ૧૯૮૪માં તેમણે બહુજન સમાજ પાર્ટીની રચના કરી, ૧૯૮૪માં તેઓ પ્રથમ વાર છત્તીસગઢની જાંજગીર ચાપાં સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૮૮માં તેમને ફરી હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯૧માં મુલાયમિંસહ યાદવ સાથે ગઠબંધન કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. ૧૯૯૬માં બીજી વખત ચૂંટણી જીત્યા. ૨૦૦૧માં ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમણે સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને માયાવતીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યાં. ૧૯૮૨માં તેમણે ‘ધ ચમચા એજ’ પુસ્તક લખ્યું જેમાં જગજીવનરામ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને ‘ચમચા’ અર્થાત્ કઠપૂતળી કહી નિશાન બનાવ્યા હતા. ડૉ. આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ ગ્રહણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ અવસાન થવાથી તે પૂર્ણ થઈ શકી ન હતી. ‘ધ ચમચા એજ’ ઉપરાંત, ‘બર્થ ઑવ્ બામસેફ’ નામનું પુસ્તક પ્રકાશિત થયુ હતું. ‘કાંશીરામ : લીડર ઑફ ધ દલિત’ બદ્રીનારાયણ તિવારીએ લખેલું તેમનું જીવનચરિત્ર છે. તેમણે આપેલાં ભાષણો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયાં છે. એવું કહેવાય છે કે ભારતમાં આંબેડકરવાદ જીવિત રાખવાનું શ્રેય કાંશીરામને ફાળે જાય છે.

અમલા પરીખ