કાન્તિલાલ રાઠોડ


જ. ૧૨ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૮

કાર્ટૂનચિત્રોના પ્રથમ ભારતીય નિર્માતા, સંખ્યાની દૃષ્ટિએ ઓછી પણ ઉત્તમ ફિલ્મો બનાવનાર વ્યક્તિ. તેમનો ઉછેર બંગાળી વાતાવરણમાં થયેલો. તેમણે શાંતિનિકેતનમાં કલાનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકા ગયા. આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં તેમણે ઍનિમેશન – કાર્ટૂન ચલચિત્રનો અભ્યાસ કર્યો. ૧૯૫૪થી ૫૬ દરમિયાન અમેરિકાની સાઇરેક્યુસ યુનિવર્સિટીમાં દસ્તાવેજી ચલચિત્ર-નિર્માણ અને સંપાદન વિષયના શિક્ષક તરીકે પણ સેવા આપી. આ સંસ્થા માટે જ તેમણે બાળકોના ચિત્રકામ વિશે ‘ક્લાઉન હોરાઇઝન’ નામની લઘુફિલ્મ બનાવી. ત્યારબાદ તેમણે કૅનેડાના વિખ્યાત કાર્ટૂન – ચલચિત્ર સર્જક નોર્મન મૅક્લૉરન જોડે કૅનેડાના નૅશનલ ફિલ્મ બોર્ડમાં કામ કર્યું હતું. ભારત પાછા વળ્યા બાદ તેમણે ૧૯૫૬થી ૧૯૬૯ સુધી ફિલ્મ્સ ડિવિઝન, ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઉપરાંત અમેરિકાની ઇન્ફર્મેશન એજન્સી માટે લઘુફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો અને બાળફિલ્મો બનાવી જેને દેશ-વિદેશમાં ઘણા પુરસ્કારો મળ્યા છે. તેઓએ કાર્ટૂન આધારિત વિજ્ઞાપનોની ટૂંકી અને અસરકારક ફિલ્મો બનાવી. કાન્તિલાલે ૧૯૬૯માં પન્નાલાલ પટેલની વાર્તા પરથી ફિલ્મ ‘કંકુ’ બનાવવાનું સાહસ કર્યું. તેઓનો આ પ્રથમ કલાત્મક ચલચિત્ર બનાવવાનો પ્રયાસ હતો છતાં તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યારબાદ તેઓએ ૧૯૭૪માં ‘પરિણય’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. આ ઉપરાંત ૧૯૭૬માં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવી, બાળફિલ્મ તથા ‘રામનગરી’ નામની હિન્દી ફિલ્મ બનાવી. આ સાથે બાળફિલ્મો તથા દસ્તાવેજી ફિલ્મો બનાવી. કાન્તિભાઈનું નામ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સર્જનાત્મક પરિણામ દાખવવા માટે કાયમ રહેશે. તેઓ ગુજરાત સરકારની ફિલ્મ સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ થયા હતા.

અંજના ભગવતી