જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.
રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.
તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.
અનિલ રાવલ