કૈલાસ ચન્દ્રદેવ બૃહસ્પતિ


જ. ૨૦ જાન્યુઆરી, ૧૯૧૭ અ. ૩૦ જુલાઈ, ૧૯૭૯

સંગીતવિદ્યાનો સંસ્કારવારસો કૈલાસને કુળપરંપરાથી મળ્યો હતો. દસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું, તેથી તેમનાં વિદુષી માતા નર્મદાદેવીએ તેમનું પાલનપોષણ કર્યું અને સંસ્કાર તથા વિદ્યાનું સિંચન કર્યું. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ કૈલાસચન્દ્ર શુદ્ધ ઉચ્ચાર કરતા હતા. પાંચ વર્ષની વયે તેઓને સંસ્કૃતના અનેક શ્લોકો કંઠસ્થ હતા. અગિયાર વર્ષની વયે તેઓ મૌલિક કાવ્યરચના કરતા હતા, ચૌદ વર્ષની વયે એમના મુખેથી સ્વરચિત શ્લોકોનું ગાન સાંભળીને પંડિતોએ તેઓને કાવ્યમનીષી, સાહિત્યસૂરિ જેવી ઉપાધિઓથી અલંકૃત કર્યા હતા. શાસ્ત્રો, ભાષા, સાહિત્ય, વિવિધ વિદ્યાઓ સંગીતની ગાયન-વાદન કલાઓ વગેરેનું જ્ઞાન પંડિતો પાસેથી મળવાથી કૈલાસચન્દ્રનું જીવન ખીલી ઊઠ્યું. તેઓએ સંગીત વિશે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો.  ભારતીય પ્રાચીન સંગીતશાસ્ત્ર અને ગાયનપદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. તેઓએ ‘બૃહસ્પતિ વીણા’ નામે એક નવી વીણાનો આવિષ્કાર કર્યો હતો. તેમણે સંગીતવિષયક મૌલિક ચિંતન વ્યક્ત કરતા બે ગ્રંથો લખ્યા છે : ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ તથા ‘સંગીત ચિંતામણિ’. આ ઉપરાંત તેમણે ભારતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાય પર વિદ્વત્તાપૂર્વક ટીકા લખી છે. ટીકાનું નામ ‘સાધના’ આપ્યું. તેમણે પોતાની ગૃહિણી સાધના અને પોતાની સંગીતસાધના બંનેને અમર બનાવી દીધાં. તેમને અનેક પદવીઓ, પદકો, પ્રતિષ્ઠાઓ અને પદાધિકારો પ્રાપ્ત થયાં હતાં.

અંજના ભગવતી