ગિરીશચંદ્ર ઘોષ


જ. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૪૪ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૧૨

જાણીતા બંગાળી અભિનેતા, દિગ્દર્શક અને લેખક ગિરીશચંદ્ર ઘોષનો જન્મ કૉલકાતાના બાગબજારમાં થયો હતો. તેમનાં માતાપિતા નીલકમલ અને રાયમણિનું તેઓ આઠમું સંતાન હતા. પિતા પાસેથી તીક્ષ્ણ બુદ્ધિ અને જીવન પ્રત્યેનો વ્યાવહારિક અભિગમ અને માતા પાસેથી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ તેમને વારસામાં મળ્યાં હતાં. જીવનની શરૂઆતમાં જ તેમણે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ૧૮૬૨માં શાળા છોડ્યા બાદ તેમણે એક બ્રિટિશ કંપનીમાં બુકકીપિંગમાં એપ્રેન્ટિસશિપ મેળવી હતી. આ સમયગાળામાં ઈશ્વરચંદ્ર ગુપ્તા સાથે તેમનો પરિચય થવાથી તેમણે નાટકો, ગીતો અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ગિરીશચંદ્ર ઘોષે ૧૮૭૩માં ગ્રેટ રાષ્ટ્રીય રંગભૂમિની રચના કરી હતી અને ૧૮૭૭માં ત્યાં તેમના પ્રથમ નાટક ‘આગમણિ’નું મંચન કર્યું હતું. ત્યારબાદ તેમણે મિનર્વા થિયેટરમાં પણ કામ કર્યું હતું અને તેઓ મૅનેજરપદ સુધી પહોંચ્યા હતા. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણકથા આધારિત કુલ ૮૬ નાટક લખ્યાં હતાં. તેમનાં ખૂબ જાણીતાં નાટકોમાં ‘બુદ્ધદેવચરિત’, ‘પૂર્ણ ચંદ્ર’, ‘કલાપહાર’, ‘અશોક’, ‘ચૈતન્યલીલા’, ‘રૂપ-સનાતન’, ‘નિમાઈ સંન્યાસ’ અને ‘પ્રહલાદચરિત’નો સમાવેશ થાય છે. ગિરીશચંદ્ર ઘોષ રામકૃષ્ણ પરમહંસને પહેલી વાર તેમના પાડોશી કાલીનાથ બોઝના ઘેર મળ્યા હતા. ૨૧ સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રી રામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા હતા. રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ હેઠળ તેમના નાટક ‘નાસીરામ’માં તેમણે રામકૃષ્ણના ઉપદેશોનો ખૂબ જ ઉપયોગ કર્યો. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રી રામકૃષ્ણ’માં ગિરીશચંદ્ર અને રામકૃષ્ણને લગતાં ઘણાં દૃશ્યો છે. વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના સંપર્કમાં આવ્યા બાદ ગિરીશચંદ્ર તેમના એક પ્રકારના આશ્રયદાતા સંત બન્યા હતા. તેમણે ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું  હતું. બંગાળી રંગભૂમિના સુવર્ણયુગ સાથે ગિરીશચંદ્ર ઘોષનું નામ સુવર્ણ અક્ષરે જોડાયેલું છે.

અશ્વિન આણદાણી