જ. ૧૯ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૫ ડિસેમ્બર, ૧૯૫૧
ગોપાળદાસ દેસાઈ ગાંધીવાદી, રાજનૈતિક અને સમાજસેવક હતા. તેઓ દરબાર ગોપાળદાસ તરીકે જાણીતા હતા. તેઓ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓ પૈકી ઢસા રજવાડાના રાજા હતા, પણ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડનાર પ્રથમ રાજવી હતા. તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા હતા. તેમના નાનાજીએ તેઓને દત્તક લીધા હતા. ગોપાળદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા. તેઓ તેમને નાણાકીય સહાય પણ આપતા હતા. શિક્ષણ પ્રત્યે તેઓ સજાગ હતા અને મેડમ મૉન્ટેસોરીના વિચારોથી પ્રભાવિત હતા. ૧૯૧૫માં તેમણે વસોમાં મોતીભાઈ અમીનની સહાય લઈને મૉન્ટેસોરી શાળા શરૂ કરી હતી, જે ગુજરાતની અને ભારતની કદાચ સૌપ્રથમ મૉન્ટેસોરી શાળા હતી. તેમની પ્રજાને શિક્ષણ મફત અપાતું હતું. ૧૯૨૧ સુધી તેઓ ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા અને ખેડા જિલ્લા કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. વૉરન હેસ્ટિંગની ચેતવણી હતી કે તેઓએ ભારતીય કૉંગ્રેસની સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ ન લેવો અને નાણાકીય સહાય ન આપવી, પણ તે ચેતવણીનો અનાદર કરતાં ગોપાળદાસ પાસેથી તેમનું રજવાડું છીનવી લીધું. આથી ૧૯૨૨માં ગોપાલદાસ અને તેમનાં પત્ની ભક્તિબા સક્રિય સ્વાતંત્ર્યવીર બની ગયાં. તેમના ત્રણ પુત્રો પણ આ માર્ગે વળી ગયા. અસ્પૃશ્યતાનાબૂદી તથા સ્ત્રી-શિક્ષણ જેવા ગાંધીમાર્ગે ગોપાળદાસ અને ભક્તિબા અવિરત કામ કરતાં રહ્યાં. ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણના તેઓ આગ્રહી હતા. ૧૯૩૫માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલયની કન્યા છાત્રાલય બાંધી તેમણે પહેલ કરી. સ્વતંત્રતા બાદ ૧૯૪૭માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં તેમની યાદમાં બનાવેલ કીર્તિમંદિરનું ભૂમિપૂજન તેઓના હાથે થયેલ. વડોદરાથી તેઓ ભારતની કૉન્સ્ટિટ્યુએન્ટ ઍસેમ્બ્લીના સભ્ય નિમાયા હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેમનું રજવાડું પાછું સોંપાતાં તેઓએ સ્વેચ્છાથી ભારત સાથે બિનશરતી વિલીનીકરણમાં સહમતી આપી હતી. આવી સહમતી આપનાર ૫૫૦ રજવાડાંના તેઓ પ્રથમ રાજા હતા. રાજમોહન ગાંધીએ તેમની જીવનકથા ‘ધ પ્રિન્સ ઑફ ગુજરાત’ નામે પ્રસિદ્ધ કરી છે.
અંજના ભગવતી