જ. ૭ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૨૦ જૂન, ૨૦૦૮

ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે તેમની અભિનેતા તરીકેની કારકિર્દી દરમિયાન ૧૯૩૮થી ૨૦૦૮ સુધીમાં ૮૦ મરાઠી ફિલ્મ, ૧૬ હિંદી ફિલ્મ અને ૬૪ મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે અભિનય કરેલ પ્રથમ ફિલ્મ ‘લક્ષ્મીચે ખેળ’ (૧૯૩૮) અને છેલ્લી ફિલ્મ ‘વળૂ’ (૨૦૦૮) હતી. ચંદ્રકાંત ગોખલેએ મરાઠી સંગીત-રંગભૂમિના સમયમાં સંગીતનાટકોમાં પણ સરસ ભૂમિકા ભજવી હતી. તેમની ખૂબ જ લોકપ્રિય બનેલી ભૂમિકાઓમાં રાજેમાસ્ટરની ભૂમિકા, જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા ‘કુસુમાગ્રજ’ દ્વારા લિખિત ‘નટસમ્રાટ’ નાટકમાંની બેલવલકરના પાત્રની ભૂમિકા, વિજયા મહેતા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ‘બૅરિસ્ટર નાટકમાંની તાત્યાની ખલનાયકની ભૂમિકા તથા મનોહર સ્ત્રી નાટક કંપની દ્વારા પ્રસ્તુત ‘પુન્હા હિંદુ’ નાટકમાંની મહાદજીની ભૂમિકા વિશેષ ઉલ્લેખનીય છે. જે મરાઠી ફિલ્મમાં ચંદ્રકાંત ગોખલેની યાદગાર ભૂમિકા રહી હતી તેમાં ‘સુવાસિની’, ‘માનિની’ અને ‘ધર્મકન્યા’ ખાસ નોંધપાત્ર છે. ‘વિશ્વાસઘાત’ અને ‘ઈર્ષા’ આ બે હિન્દી ફિલ્મની ભૂમિકાઓ પણ ઉલ્લેખનીય છે. ‘માનિની’ ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે અપાતા આઠ પુરસ્કારોમાંનો એક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૦૧માં તેમને જીવનગૌરવ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમનો અભિનયવારસો તેમના પુત્ર અને જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેમાં સુપેરે ઊતર્યો છે.
અશ્વિન આણદાણી