જ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૦૯ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૮

ગુજરાતના રસાયણઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા ચાંપરાજભાઈનો જન્મ કચ્છમાં આવેલ ખ્યાતનામ શ્રોફ પરિવારમાં થયો હતો. કચ્છના માંડવીમાં જન્મેલા ચાંપરાજભાઈના પિતાનું નામ ચતુર્ભુજ શ્રોફ અને માતાનું નામ ગોકીબાઈ હતું. ભારતને રસાયણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં રસાયણવિજ્ઞાનમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બ્રિટન જઈને વધુ અભ્યાસ કરવા માટે તેમને કૉલેજ તરફથી સ્કૉલરશિપ આપવામાં આવી, પરંતુ તેમણે તે ન સ્વીકારતાં ભારતમાં જ રહેવાનો નિર્ધાર કર્યો. બી.એસસી.ના અભ્યાસ બાદ તેમણે કારખાનામાં નોકરી શરૂ કરી હતી. ઈ. સ. ૧૯૪૧માં તેમણે મુંબઈના જોગેશ્વરીમાં ‘એક્સલ કંપનીની શરૂઆત કરી હતી. તેમણે પ્રયોગશાળામાં અનેક રસાયણો બનાવ્યાં હતાં. આઝાદીની લડત દરમિયાન તેમણે ૧૯૪૨-૪૩માં ભૂગર્ભવાસીઓને હાથબનાવટના બૉમ્બ પૂરા પાડ્યા હતા. હવાઈ દળને ટિટેનિયમ ટેટ્રા ક્લોરાઇડ સ્મોકસ્ક્રીનની જરૂરિયાત પણ પૂરી પાડી હતી. અનાજને જીવાણુમુક્ત કરવા સરકારને સેલ્ફોસની જરૂરિયાત પૂરી પાડી હતી. કેટલાંક રસાયણોનું ઉત્પાદન ભારતમાં શક્ય બનાવવા માટે ૧૯૭૦ની સાલમાં ‘એક્સલ’ને ‘એક્સપૉર્ટ સબસ્ટિટ્યૂશન’નો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ૧૯૮૩માં કેમટેક ફાઉન્ડેશનનો પર્યાવરણવિદનો અને ૧૯૯૬માં એન્વાયરન્મેન્ટ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવાનું શ્રેય પણ ચાંપરાજભાઈને જાય છે.
અંજના ભગવતી