ચિત્તરંજન દાસ (દેશબંધુ)


જ. ૫ નવેમ્બર, ૧૮૭૦ અ. ૧૬ જૂન, ૧૯૨૫

‘દેશબંધુ’ના નામથી જાણીતા બંગાળના વકીલ અને ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક ટોચના કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક. તેમનો જન્મ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત એવા દાસ પરિવારમાં થયો હતો. આ દાસ પરિવાર બ્રહ્મસમાજ સાથે જોડાયેલો હતો. તેમના પરિવારમાં વકીલોની સંખ્યા વધુ હોવાથી વકીલોનો પરિવાર કહેવાતો હતો. ૧૮૯૦માં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ આઈ.સી.એસ. બનવા માટે ઇંગ્લૅન્ડ ગયા હતા અને ૧૮૯૨માં બૅરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા. તેમણે વકીલાત શરૂ કરી. ૧૮૯૪માં વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો હતો અને અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયા. ૧૯૦૯માં અલીપોર બૉમ્બવિસ્ફોટ પ્રકરણ અંતર્ગત તેમણે અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિત્તરંજન દાસનો જાહેર આભાર માનતાં જણાવ્યું હતું કે અલીપોર પ્રકરણમાં ચિત્તરંજન દાસને તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેઓ ૧૯૧૯થી ૧૯૨૨ના અસહકાર આંદોલન દરમિયાન બંગાળના અગ્રણી નેતા રહ્યા. અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે બ્રિટિશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીનાં વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી હતી. તેમણે ‘ફૉર્વર્ડ’ નામનું એક દૈનિક ચાલુ કર્યું હતું. જેને પછીથી બ્રિટિશ શાસન વિરુદ્ધની લડત માટે ‘લિબર્ટી’ એવું નામ આપવામાં આવેલું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેઓ અિંહસા અને વૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા અને હિંદુ-મુસ્લિમ એકતા, સહયોગ તેમ જ સાંપ્રદાયિક સદભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના ‘નો કાઉન્સિલ એન્ટ્રી’ ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ગયા ખાતે મળેલા અધિવેશનમાં અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરુ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. ભારતીય  ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારકટિકિટ બહાર પાડવામાં આવી છે.

અશ્વિન આણદાણી